બાળકો પ્રાથમિકતા છે, તેમના માટે કામ કરું છું : શ્વેતા
મુંબઈ: શ્વેતા તિવારી ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. તેણે અત્યાર સુધીમાં પોતાના કામ અને ઘરને બરાબર રીતે સંભાળ્યું છે. ફિક્શન હોય કે નોન-ફિક્શન શો શ્વેતા તિવારી દરેક જાેનરમાં કામ કરવા તૈયાર રગે છે. તેણે ‘બિગ બોસ’, ‘નચ બલિયે’ જેવા રિયાલિટી શોનો ભાગ બની ચૂકી છે. જ્યારે તેને ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી’ ઓફર થયું ત્યારે તે તૈયાર થઈ ગઈ. શ્વેતાએ આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, મેં શક્ય હોય તેટલા બધા જ રિયાલિટી શોમાં ભાગ લીધો છે. ખતરોં કે ખિલાડી યૂનિક શો છે જેમાં તમારે તમારા ડરનો સામનો કરવાનો હોય છે
એવા સ્ટંટ કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે જે તમે સામાન્ય જીવનમાં નથી કરતા. માટે જ મેં એડવન્ચરનું તત્વ જાેઈને જ આ શોમાં ભાગ લીધો છે. ઉપરાંત મારી દીકરીએ પણ કહ્યું કે, જાે હું અત્યારે આ શોમાં ભાગ નહીં લઉં તો પછી ભવિષ્યમાં આ શોનો હિસ્સો બનવામાં ખૂબ મોડું થઈ જશે. શ્વેતા તિવારી હાલ કેપટાઉનમાં આ શોનું શૂટિંગ કરી રહી છે અને પોતાના બાળકો પલક અને રેયાંશથી દૂર છે. શ્વેતાએ જણાવ્યું કે, તે બંને બાળકોને ખૂબ મિસ કરે છે. તેઓ વર્ચ્યૂઅલી સંપર્કમાં છે તેમ છતાં તેમને ખૂબ યાદ કરે છે.
રાત્રે અમે અમારી વિડીયો કૉલિંગ એપ ચાલુ રાખીને ઊંઘી જઈએ છીએ જેથી જ્યારે અમે ઉઠીએ ત્યારે એકબીજાને જાેઈ શકીએ. અમે વાત કરવાની એકપણ તક જતી નથી કરતા. હું મારી દીકરી સાથે દરેક સ્ટંટ પહેલા અને પછી વાત કરું છું જેથી મેં કેવું પર્ફોર્મ કર્યું તેને કહી શકું. મારો દીકરો કહે છે કે, હું તેના માટે સાઉથ આફ્રિકાથી હિપોપોટેમસ લઈ જાઉં. તે હિપોપોટેમસને હિપોમોનાટસ કહે છે. માટે જાે કોઈ એપિસોડમાં મારી મુલાકાત હિપોપોટેમસ સાથે થશે તો હું તેને ઘરે લઈ જવાની છું
કારણકે મારા દીકરાને જાેઈએ છે (હસે છે), તેમ શ્વેતાએ કહ્યું. આ મુશ્કેલ સમયમાં ઘણાં લોકોને કામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે શ્વેતા પોતાને નસીબદાર માને છે કારણકે તેને કામ મળી રહ્યું છે. આ ખરેખર આપણા સૌ માટે મુશ્કેલ સમય રહ્યો છે. હું મારા બાળકો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકી તેના માટે કૃતજ્ઞ છું. મને અહેસાસ થયો કે કામ કરતાં રહેવું કેટલું મહત્વનું છે. જાે કામ અટકી જાય છે તો બધું જ લટકી પડે છે. આવક બંધ થાય છે, ખર્ચા નથી અટકતા. માટે જ કામ કરવું અત્યંત જરૂરી છે. હું મારા ગ્રહોનો આભાર માનું છું કે આજે મારી પાસે કામ છે અને હું મારા બાળકોની સંભાળ રાખી શકું છું.