બાળકો સાથે માતાપિતાએ સંવાદ સાધવો ખૂબ જ જરૂરી છે
ડો. નીરજ સૂરી દ્વારા લિખિત પુસ્તક ‘સ્પીક અ બૂ’નું લોન્ચિંગ
અમદાવાદ, આજે વ્યક્તિગત સંબંધો કોરાણા મૂકાયા છે અને વાતો પણ મોટાભાગે ડિજિટલ માધ્યમો થકી જ થાય છે ત્યારે બાળકો સાથે અસરકારક રીતે સંવાદ સાધવો ખૂબ જ જરૂરી છે એમ ડો. નીરજ સૂરી દ્વારા લિખિત પુસ્તક “સ્પીક અ બૂ”ના લોન્ચિંગ પ્રસંગે જાણીતા લેખકો, ડોક્ટર્સ અને બિહેવરીયલ સ્પેશિયાલિસ્ટે સૂર વ્યક્ત કર્યો હતો.
એએમએ ખાતે યોજાયેલા આ પુસ્તક વિમોચનના પ્રસંગે ટોક ટુ યોર ચાઈલ્ડ વિષય પર એક ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી હતી. બાળકો સાથે હકારાત્મક અને રચનાત્મક સંવાદ સધાય તે માટે ડો. સૂરી લાંબા સમયથી #TalkToYourChild કેમ્પેઈન ચલાવી રહ્યા છે. ડો. નીરજ સૂરી જાણીતા ઈએનટી સર્જન છે અને ગવર્મેન્ટ નોડલ ઓફિસર તરીકે ન કેવળ તેમણે ગુજરાતભરમાં ઈએનટી સર્જનને તાલીમ આપી છે, સાથોસાથ તમામ નવજાત શિશુઓ માટે હિયરિંગ ટેસ્ટ ફરજિયાત બનાવવા માટે સક્રિય પ્રયાસો પણ કર્યા છે.
આ પુસ્તકમાં બાળકોના ઈન્દ્રિયોના વિકાસ તથા જે પ્રકારે બાળકો બોલતા શીખે છે તે પ્રક્રિયા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નવજાત શિશુનું મગજ શબ્દો દ્વારા કેવી રીતે સંવાદ સાધવાનું શરૂ કરે છે તે પ્રક્રિયાને પુસ્તકમાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને હિયરિંગ ઈમ્પ્લાન્ટ સાથે જન્મેલા બાળકોના જીવનમાં પ્રારંભથી જ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.
આ પુસ્તક નવા સવા માતા-પિતા બનેલા તથા પોતાનો પરિવાર શરૂ કરવા જઈ રહેલા દંપતિઓ માટે માર્ગદર્શકની ગરજ સારે છે. આ ઉપરાંત, આ પુસ્તક શિક્ષકો, આરોગ્યકર્મીઓ, મનોચિકિત્સકો અને ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયનને પણ વાંચવું ગમશે. આ પુસ્તકના વેચાણમાંથી થનારી તમામ આવક હિયરિંગ ઈમ્પ્લાન્ટ સાથે જન્મેલા બાળકો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાને દાન આપવામાં આવશે.