Western Times News

Gujarati News

બાળક અને પત્ની સાથે દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો

વલસાડ: વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પોલીસકર્મી અને તેની પત્નીને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા પોલીસકર્મી પોતાની પત્ની અને બાળકને સાથે રાખી દમણથી ભરૂચ સુધી વિદેશી દારૂની ખેપ મારતો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

આથી વલસાડ જિલ્લા એલસીબી પોલીસે આરોપી પોલીસકર્મી અને તેની પત્નીની ધરપકડ પણ કરી સળિયા પાછળ ધકેલી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જાે કે તેમછતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે.

જાેકે વિદેશી દારૂની હેરાફેરી અને ધંધામાં મોટી કમાણીને કારણે રીઢા બુટલેગરોની સાથે સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ રહ્યા છે.જાેકે આ વખતે વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ભરુચના પોલીસ અધીક્ષકની કચેરીમાં નોકરી કરતા એક પોલીસકર્મીને તેની પત્નીને સાથે રાખી અને કારમાં વિદેશી દારૂની ખેપ મારતો રંગેહાથ ઝડપી પાડયો છે.

બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબી પોલીસની ટીમ વલસાડ ના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. એ દરમિયાન જ પોલીસને મળેલી બાતમી વાળી એક સફેદ કલરની કાર હાઇવે પરથી પસાર થતાં પોલીસે તેમનો પીછો કર્યો હતો. અને કારચાલકને કાર થોભવવા ઇશારો કર્યો હતો. આથી કારચાલકે કારને થોભાવી દીધી હતી.

આથી પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં પોતે ભરૂચ પોલીસ અધીક્ષકની કચેરીમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. અને બાળકને સાથે લઈ અને બાજુમાં બેઠેલી મહિલા તેની પત્ની હોવાની ઓળખ આપી હતી. આથી પોલીસે કારની તપાસ કરતા કારમાંથી પોલીસ લખેલું બોર્ડ મળી આવ્યું હતું.

વધુ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની અનેક બોટલો મળી આવી હતી. પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા કારમાંથી અંદાજે ૮૭ હજારની કિંમતના વિદેશી દારૂની ૨૨૬ બોટલો મળી આવી હતી. આથી પોલીસે કારચાલક આરોપી પોલીસકર્મી દીપકભાઈ રમણભાઈ પરમાર અને તેની પત્ની મમતાબેન દીપકભાઈ પરમારની દારૂની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.