બાળ અધિકારોના સંરક્ષણ બદલ પાર્થ ગજેરાને બાળ મિત્ર પુરસ્કાર એનાયત
રાજકોટ, તા.15 ગુજરાત સરકાર સમાજના તમામ વર્ગોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે. તેમા મહિલાઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો, વનવાસીઓ, શોષિત, પીડિત વર્ગ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યના તત્કાલિન મુખ્ય મંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગ દર્શનથી બાળકોના અધિકારોના રક્ષણ માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના કરવામાં આવી હતી.
તાજેતરમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આઠમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળ અધિકાર સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા એકમો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એનજીઓને બાળ મિત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં સરકારી શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતા મુળ રાજકોટના શ્રી પાર્થ ગજેરાને બાળ મિત્ર પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
શ્રી પાર્થ ગજેરાએ અમદાવાદ જીલ્લામાં બાળકોને બાળમજૂરીનાં દૂષણમાંથી મુકત કરાવવા તથા બાળકોને મજૂરી કરાવતા એકમો વિરુદ્ધ ફોજદારી ગુન્હાઓ દાખલ કરવામાં અનન્ય કામગીરી બજાવી છે. શ્રી પાર્થ ગજેરાએ બાળ અધિકારના સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ મિત્ર પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અન્ય રાજ્યોના બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યોએ પણ પોતાની હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકોના અધિકારોના રક્ષણ માટે સરકારી એજન્સીઓ દ્વારા લેવાઈ રહેલા પગલાની આયોગને જાણકારી આપવામાં આવી હતી.
આ તકે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી જાગૃતિબેન પંડ્યા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી શંભૂજી ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, આયોગના સભ્યો, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.