બાળ મજુરી મામલે તપાસ જારી
અમદાવાદ: બાળ મજુરી મામલામાં તપાસનો દોર યથાવત રીતે જારી રહ્યો છે. મુક્ત કરાવવામાં આવેલા બાળ મજુરોના સંદર્ભમાં ચોંકાવનારી વિગતો ખુલી છે. મોટાભાગના બાળકો ખુબ જ સંઘર્ષવાળા જીવનને ગાળવા માટે મજબુર બન્યા હોવાની વિગતો ખુલી છે. ૭૦ બાળકોના માતા અથવા પિતા નહીં હોવાની જાણકારી મળી છે.
ગઇકાલે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સુરત અને રાજસ્થાન પોલીસ તથા એક એનજીઓના ૮૦થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલીંગનું કામ કરતા ૧૩૪ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતાં. આંતર રાજ્ય બાળકોની ગેરકાયદે હેરાફેરી કરીને બાળમજૂરી કરાવવાના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો.
ત્યારબાદ આ બાળકોને છોડાવીને તેમને પરત પોતાના વતન મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારી અને આઘાતજનક વાત એ સામે આવી હતી કે, આ બાળકોમાંથી ૭૦ બાળકોના માં કે બાપ નથી અને તેમના વાલીને એક ટંક ખાવાની કે બાળક ખવડાવવા જેટલી આર્થિક શક્તિ પણ નથી. જેથી વાલીઓ દ્વારા આ બાળકોને સુરતમાં મજૂરી કામે મોકલ્યા હતા. આ બાળકો સુરતમાં હોવાની જાણ રાજસ્થાન બાળ આયોગ અને ગુજરાત બાળ આયોગને થયા બાદ એક સપ્તાહથી તેઓએ ગુપ્ત રીતે ઓપરેશન ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા હિંમતનગર પાસે પણ આ રીતે બાળકોને રેસ્કયુ કરીને બચાવવામાં આવ્યા હતા. આ અંગે ગુજરાત બાળ કલ્યાણ વિભાગના વડા જાગૃતિબહેન પંડ્યાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરતમાંથી જે બાળકોને છોડાવવામાં આવ્યા તેમાંથી ૧૨૫ બાળકો રાજસ્થાનના હતા. જેમને રાજસ્થાન મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે બીજા બાળકો ઝારખંડ અને બિહારના છે તે રાજ્યોને પણ જાણ કરવામાં આવી છે. હાલ બાળકોનું કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે, તેમ જ તેમની સ્થિતિ કેવી હતી તે અંગે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે રાજસ્થાનની ટીમે ગુજરાતની ટીમ અને પોલીસની મદદ પણ હતી.