બાળ મુત્યુ દર અને માતા મૃત્યુ દર થવાનું જો કોઇ કારણ હોય તો તે બાળ લગ્ન છે :જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ
રાજપીપળા, બુધવાર :- બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-નર્મદાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સાગબારાની તાલુકાની વિનીયમ કોલેજ ખાતે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ-સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચેતન પરમાર સહિત આશાબહેનોની વિશાળ ઉપસ્થિતિમાં “બાળ લગ્ન એક અભિષાપ” વિષયક જન જાગૃત્તિ સેમિનાર યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ જણાવ્યું હતું કે, બાળ મુત્યુ દર અને માતા મૃત્યુ દર થવાનું જો કોઇ કારણ હોય તો તે બાળ લગ્ન છે. બાળ લગ્નને આપણે સૌ સાથે મળીને અટકાવીએ અને બાળ લગ્ન કરનાર અને કરાવનાર બંને સજાને પાત્ર છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, બાળ લગ્ન જો થતાં હોય તો તમે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ફોન દ્વારા અથવા રૂબરું મળીને માહિતી આપવાની હિમાયત કરી હતી. બાળ લગ્ન ધારો-૨૦૦૬ ની જોગવાઇ, બાળ મૃત્યુ દર તેમજ માતા મૃત્યુ દર કઇ રીતે અટકાવી શકાય અને કિશોરી સશક્તિકરણની વિસ્તૃત માર્ગદર્શન સાથે જરૂરી જાણકારી પણ પૂરી પાડી હતી.
પ્રારંભમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમારે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં તેમણે આભારદર્શન પણ કર્યું હતું.