બાવળા એ.આર.ટી.ઓ. ખાતે છેલ્લા એક વર્ષમાં 11,264 નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નોંધાયા : રૂપિયા 1 કરોડથી વધુની આવક
વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ
…..
રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શિકતાથી તેમજ આધુનિક પદ્ધતિથી ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તારીખ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ ગ્રામ્ય બાવળા એ.આર.ટી.ઓ. ખાતે 11,264 નવા ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાંથી રૂ. 1.07 કરોડની આવક રાજ્ય સરકારને થઈ છે તેમ વિધાનસભા ગૃહમાં નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અસારવાના ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું.
મંત્રીશ્રી પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકોને કાચા ડ્રાઇવિંગ લાઇસન્સમાં વધુ સરળતા રહે તે માટે ITIને પણ સત્તાઓ આપવામાં આવી છે. પાકા લાયસન્સ માટે કુલ 426 પ્રશ્નોમાંથી 15 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી પાસ થવા માટે 11 સાચા હોવા જરૂરી છે. કાચા લાયસન્સ માટે રૂપિયા 150 તેમજ ટેસ્ટ માટે રૂપિયા 50ની ફી લેવામાં આવે છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું