બિકાનેર પાસે બસ-ટ્રક વચ્ચેની ટક્કરમાં ૨૫નાં મોત, ૨૦થી વધુ ઘાયલ થયા
બિકાનેર, રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લખાસર વિસ્તારમાં સોમવારે વહેલી પરોઢે ભીષણ માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. નેશનલ હાઈવે-૧૧ પર શ્રીડુંગરગઢની પાસે એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં લગભગ ૨૫ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ ટ્રક અને બસમાં આગ લાગવાના કારણે બસમાં અફરાતફરી થઈ ગઈ હતી. આગ લાગવાના કારણે કેટલાક મુસાફરો બસમાં ફસાઈ ગયા. બીજી તરફ, ટ્રક ચાલક પણ આગ લાગવાના કારણે દાઝી ગયો. લખાસરના જોધાસર-ઝંઝેરુ ગામની વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને કેટલીકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મળતા અહેવાલો મુજબ, વહેલી પરોઢે ધુમ્મસના કારણે ટ્રક ચાલકને સામે આવી રહેલી મિની બસ ન દેખાઈ જેના કારણે બંને વચ્ચે ટક્કર થઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે ઘણી દૂર સુધી તેનો અવાજ સંભળાયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી થઈ. ઘાયલાને પીબીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં બસનો આગળનો ભાગ સમગ્રપણે દબાઈ ગયો હતો. અનેક મુસાફરો તેના કારણે બસમાં ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ઘટનાસ્થળે કટર મંગાવવામાં આવ્યું હતું. કટરથી બસને કાપ્યા બાદ મુસાફરો બહાર કાઢી શકાયા. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોમાં મહિલાઓ અને બાળકનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે આ કરૂણ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં ટિ્વટ કરતાં લખ્યું કે, મૃતકોના પરિજનોને આ વિકટ સ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે. ઘાયલો માટે મારી પ્રાર્થના.