બિગ બોસ ઓક્ટોબરના અંત ભાગમાં શરૂ થાય તેવી શક્યતા
મુંબઇ, કોરોના વાયરસને કારણે ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનો આખો કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. વિવિધ ફિલ્મોની રિલીઝ અને ટીવી શોની તારીખો પાછળ ઠેલાઈ રહી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે દેશના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસના પ્રારંભમાં પણ વિલંબ થશે.સલમાન ખાનના આ શોની તેના ફેન્સ હંમેશાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ કોરાનાના આ સમયમાં બધું જ બદલાઈ ગયું છે. ઓક્ટોબરમાં શરૂ થનારો સલમાનનો આ શો હવે વિલંબથી શરૂ થશે. બિગ બોસની ૧૪મી સિઝન ઓક્ટોબરના અંત ભાગમાં શરૂ થાય તેવી શક્યતા છે.
જોકે બિગ બોસ શરૂ થાય તે અગાઉ તેમાં ભાગ લેનારા તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ બિગ બોસના આખા ઘરને સેનેટાઇઝ કરાશે, તેમાં રખાયેલી તમામ ચીજવસ્તુઓને પણ સેનેટાઈઝ કરવામાં આવશે. આ વખતે સમય અંગે પણ સખ્તાઈ દાખવવામાં આવશે. ભાગ લેનારા ૧૬ કલાકારોમાંથી ૧૩ હસ્તીઓ હશે તો બાકીના ત્રણ સામાન્ય નાગરિકો હશે. તેના મેકર્સે હજી સુધીમાં ૩૦ લોકોને શોર્ટ લિસ્ટ કર્યા છે જેમાંથી ૧૬ લોકો બિગ બોસમાં દેખાશે.