બિગ બોસ-૧૩ ને લઈને સલમાન ખાન પર હુમલાની આશંકા
મુંબઈ, બિગ બોસ ૧૩ ને આ વખતે જેટલું યુનિક અને રસપ્રદ બનાવવામાં આવ્યું છે તે હવે શોના નિર્માતાઓ પર ભારે પડી રહ્યું છે. આ શોના લોન્ચની સાથે જ આ શોને બંધ કરવાની માંગ વધી ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને અનેક સંસ્થાઓ સુધી. દરેક જણ શોના કોન્સેપ્ટ પર સહમતી બનાવી રહ્યા નથી. જેના કારણે કરણી સેના, હિન્દુ સંગઠનો અને રાષ્ટ્રીય બજરંગ દળે આ શો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ દરમિયાન, એવા સમાચાર આવી રહ્યા છે કે આ બધા મામલાઓને ધ્યાનમાં રાખીને સલમાન ખાનની વ્યક્તિગત અને તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
શોને બંધ કરવાની માંગનું મુખ્ય કારણ બેડ ફ્રેન્ડ ફોરએવરનો કોન્સેપ્ટ છે. જો કે, બહારના વાતાવરણને જોતા, નિર્માતાઓએ હવે બેડવાળા ટ્વીસ્ટને સમાપ્ત કર્યો છે. ઘરવાળા પોતાની મરજીથી કોઈપણ સાથે બેડ શેર કરી શકે છે. આવી સ્થિતિમાં પોલીસનું અનુમાન છે કે કરણી સેના કોઈ પણ પ્રકારની બબાલ પેદા કરી શકે છે. સંભવ છે કે સલમાન ખાનના ઘરની બહાર કોઈ પ્રકારનો હંગામો કરવામાં આવે અથવા તો તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવે. આ કિસ્સામાં, આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે બિગ બોસ ૧૩ ને લઈને ઘણી જગ્યાએ સલમાન ખાનનું પુતળુ પણ સળગાવામાં આવ્યું છે. છોકરાઓ અને છોકરીઓની પથારી એક સાથે વહેંચવાના કોન્સેપ્ટ પર લોકો હજી પણ ગુસ્સે છે. જોકે તેને હવે શોમાંથી દૂર કરવામાં આવ્યું છે. છતાં પણ આ શોની હજુ સુધી ટીકા થઈ રહી છે. તેને પરવાનગી કેવી રીતે મળી તે અંગે પણ સવાલ ઉભા થયા છે. સેન્સર બોર્ડની ટીવી શો પર પણ નજર હોવી જોઈએ. જો ત્યાં સેન્સર છે, તો આવીઅશ્લીલતાને પીરસવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?