‘બિગ બોસ-13’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ-અટેકથી મોત
મુંબઈ, 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સિદ્ધાર્થના મોતનું અસલી કારણ ખબર પડશે. ઓશીવાર પોલીસ સિદ્ધાર્થ શુક્લના ઘરે ગઈ હતી. મુંબઈ પોલીસે નિવેદન આપ્યું હતું કે સિદ્ધાર્થના મોતમાં કંઈ ગડબડી થઈ હોવા તેવા ઇનપુટ મળ્યા નથી. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થે રાત્રે (બુધવાર, 1 સપ્ટેમ્બર) કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યાર બાદ તે ઊઠ્યો નહીં. સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ-અટેકને કારણે થયું છે.
સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ 13’ની સીઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ‘ખતરો કે ખિલાડી 7’ શો જીત્યો હતો. સિરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.
‘બિગ બોસ 13’ની સીઝન જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યુઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શેહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.
સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.