બિનઅનામત આયોગના ઉદ્દેશ, કાર્યો અને વિવિધ યોજનાને લઇને બેઠક યોજાઇ
અમદાવાદ, ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના લોકોને સરકારની બિનઅનામત નિગમની યોજનાઓ, શિક્ષણ અને નોકરીઓ એમ બંને પ્રકારની યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓને કેવી રીતે મળી શકે તે હેતુ સાથે આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિનઅનામત આયોગના અધ્યક્ષશ્રી હંસરાજભાઇ ગજેરાની ઉપસ્થિતિમાં બિનઅનામત વર્ગના અગ્રણીઓ તેમજ સરકારના વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં બિનઅનામત વર્ગના આયોગના અધ્યક્ષશ્રી અને સભ્ય સચિવશ્રી ડો.દિનેશ કાપડિયાએ બિન-અનામત આયોગના ઉદ્દેશો, કાર્યો અને વિવિધ યોજનાઓની માહિતી બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ વિગતવાર રજૂ કરી હતી.
રાજ્ય સરકારની બિનઅનામત વર્ગોને લગતી વિવિધ યોજનાઓના લાભ મેળવવા માટે બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર માહિતી પણ સભ્ય સચિવ દ્વારા આ બેઠકમાં આપવામાં આવી હતી.
બિનઅનામત વર્ગના સભ્ય સચિવશ્રી ડો. દિનેશ કાપડીયાએ આયોગ દ્વારા શૈક્ષણિક સહાય યોજના (લોન), વિદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, કોચિંગ સહાય, જી-ગુજકેટ-નીટ પરીક્ષા માટે કોચિંગ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ, સ્વરોજગારલક્ષી યોજનાઓ તેમજ કોર્મશિયલ પાયલોટની તાલીમ માટે લોન સહિતની ૯ યોજનાઓ કાર્યરત છે તેની વિગતવાર ચર્ચા બેઠકમાં ઉપસ્થિત સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ સમક્ષ કરી હતી. આ બેઠકમાં બિનઅનામત આયોગના સભ્યોશ્રી, ધારસભ્યોશ્રી તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.