બિનવારસી મૃતદેહોને દફન કરનારા મોહમ્મદ શરીફ પૂજનમાં આમંત્રણ
સાઈકલ રિપેરિંગનું કામ કરતા મોહમ્મદ શરીફે પચીસ હજારથી વધુ બિનવારસી શબનો અંતિમ સંસ્કાર કર્યા છે
અયોધ્યા, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાય તરફથી ભારત સિવાય નેપાળના સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહેમાનોનું યાદીમાં બે નામ ચર્ચામાં છે. એક નામ બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીનું છે, જ્યારે બીજું નામ મોહમ્મદ શરીફનું છે.
સાઈકલ રિપેરિંગનું કામ કરતા ૮૦ વર્ષના મોહમ્મદ શરીફ અયોધ્યામાં અલી બેગ મોહલ્લામાં રહે છે. લોકો તેમને ચચા શરીફ કહે છે. તેમને ગત વર્ષે પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા. શરીફ અત્યાર સુધીમાં ૨૫ હજારથી વધુ બિનવારસી શબનો અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે.
તેઓ રોજ બિનવારસી શબોના અંતિમ સંસ્કાર કરવા માટે કબ્રસ્તાન અને સ્મશાનમાં જાય છે. જો કોઈ કારણસર તેઓ ન પહોંચી શકયા તો પોલીસ, સ્મશાન કે કબ્રસ્તાનના દેખરેખ કરનારાઓ તેમનું નામ આપી દે છે. આ કામનો સંપૂર્ણ ખર્ચ તેઓ પોતે આપે છે. શરીફના જણાવ્યા અનુસાર, તેમના બે પુત્રનાં મોત થયા છે. તેમાંથી એક મોહમ્મદ રઈસ પણ હતો.
તે કેમિસ્ટ હતો. કોઈ કામ માટે તે ૨૮ વર્ષ પહેલા તે સુલ્તાનપુર ગયો હતો.
ત્યાંથી તે ગુમ થઈ ગયો હતો. આ તે સમય હતો જ્યારે અયોધ્યામાં વિવાદિત મળખાને તોડી પાડવામાં આવ્યો હતો. કોમી રમખાણો થઈ રહ્યાં હતા. એક મહિના પછી તેમનું શબ રેલવેના પાટા પરથી મળ્યું. તે પણ કોમી રમખાણનો ભોગ બન્યો હતો. આ એક એવી ઘટના હતી, જેણે જીંદગી બદલી નાંખી. તેમના પુત્રના શબનો બિનવારસી સમજીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી શરીફે જિલ્લાના બિનવારસી શબોના અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી લીધી. તેમણે આર્થિક તંગી છતાં પણ આ કામ ચાલુ રાખ્યું. લોકો તેમને આ કામ માટે દાન પણ આપે છે.