Western Times News

Gujarati News

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ નહી થાય : જાડેજા

અમદાવાદ: બિનસચિવાલય પરીક્ષાના મુદ્દે ગાંધીનગરમાં ઉઠેલા આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી છે. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકારનો ભારે વિરોધ થયો હતો અને ઉમેદવારોએ તો ગાંધીનગરમાં ધરણાં પર બેસી બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના પર્દાફાશ બાદ હવે આ સમગ્ર પરીક્ષા જ રદ કરવા ઉગ્ર માંગ ઉઠાવી છે, જેને લઇને મામલો બહુ ગરમાયો છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સરકારના બચાવમાં ઉતરી વલણ સ્પષ્ટ કર્યું હતું કે, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ નહી થાય પરંતુ સમગ્ર પ્રકરણમાં જે કોઇ સંડોવાયેલા હશે કે કસૂરવાર હશે તે તમામની સામે સખતમાં સખત પગલા લેવામાં આવશે. સરકાર કોઇને બક્ષશે નહી. પેપર એક પણ સ્થળ પરથી લીક થયું નથી.

જે ૩૯ ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી ગૌણ સેવા પસંદગી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે.

સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે તેવી હૈયાધારણ ગૃહરાજયમંત્રીએ આપી હતી. ગાંધીનગરમાં હવે બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાનો મુદ્દો ગરમાયો છે. ચોરીના કિસ્સા સામે આવ્યા છે

ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની ઉગ્ર માંગ સાથે આક્રમક મૂડમાં છે. ત્યારે સરકાર તરફથી ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, અમારી પાસે લેખિત ફરિયાદ આવી છે. ૨૬ જેટલા વોટ્‌સએપ ચેટિંગની મંડળ સામે રજૂઆત કરાઈ છે.

કોંગ્રેસ દ્વારા પણ એક પરીક્ષાર્થી મોબાઈલમાં ઉત્તર લખી રહ્યો છે તેવા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા. જુદા જુદા ૫ાંચ જિલ્લામાંથી ૩૯ ફરિયાદો મળી છે. ત્યારે ૩૦૫ બ્લોકના સીસીટીવી ચકાસવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. મોટી સંખ્યામાં ટીમ બેસાડીને જે મોબાઈલથી ચોરી કરતા હતા તેની તપાસ ચાલી રહી છે. હાલ તપાસ અંતિમ તબક્કામાં છે.

બે દિવસમાં એક્શન લઈને તેઓને રજૂ કરવામાં આવશે. તેની ચીવટ એટલા માટે આવશ્યક છે કે સાચો માણસ રહી ન જાય તેની તપાસણી મંડળ કરી રહ્યું છે. સીસીટીવીના આધારે બાકીના લોકો પર એક્શન લેવાશે. જે પરીક્ષાર્થીઓએ ચોરી કરી છે તે સંદર્ભમાં તે સંચાલકો અને સુપરવાઈઝર અને ખંડ નિરીક્ષકને બોલાવીને ચોરી કેમ થઈ છે તેની સુનવણી આવતીકાલથી મંડળ દ્વારા કરાશે. ગૃહરાજ્ય મંત્રીએ આ એક્ઝામમાં પાલનપુરમાં થયેલી ફરિયાદ મામલે જણાવ્યું કે, પાલનપુરમાં થયેલી ફરિયાદના સંદર્ભે એફઆઈઆર નોઁધવામાં આવી છે. જે લોકોએ વોટ્‌સએપ પર આન્સર કી મંગાવી હતી, તે વિશે ફરિયાદ થઈ છે. પરીક્ષાર્થી સામે એક્શન લેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.