બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાના કૌભાંડ સામે ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
ભરૂચ: બિન સચિવાલય ની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો સાથે ગાંધીનગર ખાતે ઉમટી પડેલા હજારો ઉમેદવારો પર પોલીસ દમન કર્યાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુતળાદહનનો પ્રયાસ કરતા કોંગી જનો સાથે પોલીસ બળજબરી કરી અટકાયત કરી મામલો થાળે પડ્યો હતો.
બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી પરીક્ષા ના કથિત કૌભાંડ સામે સમગ્ર રાજ્યમાં આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ઉમેદવાર પર કરાયેલ લાઠીચાર્જ ના વિરોધમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ ની જાહેરાત કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો જેની પરવા કર્યા વિના જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ અને તેઓના સહયોગીઓએ ચક્કાજામ કરવા સાથે પૂતળાં દહન માટે આગળ ધપતા જ પોલીસ સાથે ઘર્ષણ સર્જાવા પામ્યું હતું.
પોલીસે કોંગી આગેવાનો ની ટીંગાટોળી કરી બળજબરીપુર્વક પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી પોલીસ મથકે લઇ જઇ મામલો પર કાબુ મેળવ્યો હતો પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગી જનો માં આક્રોશ જોવા મળતો હતો.