બિન સચિવાલયની પરીક્ષા વિવાદઃ ટેકો આપવા ગયેલ હાર્દિકને ધક્કે ચઢાવ્યો
ઉમેદવારોએ હાર્દિક ગો બેકના નારા લગાવ્યાઃ એબીવીપી અને સરકાર ઇશારે તમામ થયાનો હાર્દિક પટેલનો આક્ષેપ
અમદાવાદ, બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાના મુદ્દે ગઇકાલ સવારથી ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓને મળવા માટે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ પહોંચ્યા હતા. જા કે, આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવ્યો હતો અને હાર્દિક ગો બેકના નારા લગાવ્યા હતા. રોષે ભરાયેલા ઉમેદવારોએ એક તબક્કે હાર્દિક પટેલને ધક્કે ચઢાવ્યો હતો, જેને લઇ વાતાવરણ ગરમાયું હતું. બીજીબાજુ, એબીવીપી અને ભાજપ સરકારના ઇશારે આ કામ થઇ રહ્યું હોવાનો હાર્દિકે ગંભીર આક્ષેપ કર્યો હતો.
હાર્દિક અને તેના સમર્થકોએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, એબીવીપીના માણસોએ ટોળામાં ઘૂસી આવા સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે પરંતુ અમને કોઇ ચિંતા નથી. જા અમારા જવાથી ઉમેદવારોને ફાયદો થતો હોય તો અમે જઇ રહ્યા છીએ. પરંતુ અમે સરકારનો વિરોધ અમારી રીતે ચાલુ રાખીશું. એક સમયે હાર્દિક પટેલે એમપણ કહ્યું હતું કે હું કોઇ રાજકીય પાર્ટી તરફથી નહીં પરંતુ અંગત રીતે મળવા આવ્યો છું પરંતુ આંદોલનકારીઓ તેની એકપણ વાત માનવા તૈયાર ન હતા.
પરીક્ષાર્થીઓના આંદોલનમાં હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ જોડાયા છે. પરીક્ષાર્થીઓને સમર્થન કરવા તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. આમ, ગઈકાલે આખો દિવસ કોઈ મોટા રાજકીય નેતા ફરક્યા નહોતા પરંતુ બીજા દિવસે આંદોલન પર અડગ રહેલા પરીક્ષાર્થીઓના સમર્થનમાં અગ્રણીઓએ ગાંધીનગર તરફ દોડ મૂકી છે.
રાજકીય હાંસિયામાં ધકેલાઈ ગયેલા હાર્દિક પટેલ પણ આજે સવારે ગાંધીનગર બિનસચિવાલય પરીક્ષાર્થીઓના આંદોલનને ટેકો આપવા પહોંચી ગયા હતા. જા કે, પોતે કોંગ્રેસમાં હોવાને કારણે આ આંદોલનને ટેકો આપવા આવ્યા છે
તેવો પત્રકારોએ સવાલ કરતા હાર્દિકે જણાવ્યું કે, હું ઉમેદવારોના હિતમાં અને તેમના ન્યાય માટે સમર્થનમાં આવ્યો હતો. બાકી, તેમની ઇચ્છા હોય તેમ. વિદ્યાર્થીઓની તાકાત જ સર્વોપરી છે. ઉશ્કેરાયેલા ઉમેદવારોએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે, આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે અને તેમાં કોઇપણ પક્ષના રાજકીય નેતાઓ તેમના રાજકીય રોટલા શેકવા આવે તે અમે ઇચ્છતા નથી.