બિન સચિવાલય પરીક્ષાનું પેપર લીક કરનાર ૬ વ્યક્તિઓની ધરપકડ
અમદાવાદ: બિન સચિવાલય પેપર લીક કાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. બિન સચિવાલયના પેપર લીક કરનાર ૬ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પેપર લીક કાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૧૭ નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-૩ની ભરતી પરીક્ષાને ૧૬ ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી.
બિન સચિવાલય પેપર લીક માટે ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે આ મામલે ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રવિણદાન ગઢવી,સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલા, ફખરુદ્દીન, સ્કૂલના સંચાલક ફારુખભાઈ, દીપક જોષી અને લખવિંદર સિંહનો સમાવેશ થાય છે. આ આખું ષડયંત્ર દાણીલીમડાની એક સ્કૂલમાં ઘડાયું હતું. લખવિંદર સિંહ કાંગ્રેસનો કાર્યકર્તા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-૩ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમ્યાન મોટાપાયે ગેર રીતિના કિસ્સાઓ બહાર આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પરીક્ષામાં થયેલ ગેરરીતિ બાબતે સરકારને વિડીયો ક્લિપ્સ, સીસીટીવી ફૂટેજ સહીતના પુરાવાઓ રજૂ કર્યા હતા. ઉમેદવારોના ઉગ્ર વિરોધને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એસ.આઈ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી હતી.
આ અંતર્ગત એસ.આઈ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઈ જી મયંકસિંહ ચાવડા, આઈબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો.