બિયારણથી બજાર સુધી કૃષિ ઉત્પાદનોના પ્રાકૃતિક સ્વરૂપને જાળવી રાખવું પડશે : યોગી આદિત્યનાથ
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોને માર્ગદર્શન આપ્યું
પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર ખેડૂતોને ભારત સરકાર સબસીડી આપશે : શ્રી શિવરાજસિંહ ચૌહાણ
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું નહીં થાય, પ્રાકૃતિક ખેતીથી વ્યક્તિ પહેલવાન થશે, જ્યારે રાસાયણિક ખાતરથી કેન્સરવાન થશે : શ્રી આચાર્ય દેવવ્રતજી
પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન પ્રાદેશિક પરામર્શ કાર્યક્રમમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યોની કૃષિ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ, નિષ્ણાતો અને પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો
પ્રાકૃતિક ખેતીના વિજ્ઞાન પ્રત્યે સજાગતા કેળવવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા આજે ઉત્તર પ્રદેશના લખનૌમાં ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ તથા ઉત્તર પ્રદેશ સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક પરામર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે ઉત્તર ભારતના રાજ્યોના કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાતો તથા પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, દેશના ખેડૂતો પોતાના ખેતરમાં થોડા ભાગમાં પણ પ્રાકૃતિક ખેતી કરે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર ખેડૂતને ભારત સરકાર સબસીડી આપશે. દેશના એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જાગૃત કરવામાં આવશે. આ એક કરોડ ખેડૂતો ભારતના ખૂણેખૂણામાં જઈને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધરતી માતાને રસાયણોથી બચાવવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું. આવનારા સમયમાં ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરે જેથી આવનારી પેઢી સ્વસ્થ રહે. તેમણે કહ્યું કે, દેશની કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસ અને સંશોધન માટે પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે અને અનાજના ભંડાર પણ ભરાશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગને પરિણામે આજે પંજાબથી ‘કેન્સર ટ્રેન‘ ચલાવવી પડી રહી છે. રાસાયણિક ખાતરથી ધીમું ઝેર માનવો અને પશુ પંખીઓના શરીરમાં પ્રવેશી રહ્યું છે. આપણે બિયારણથી લઈને બજાર સુધી કૃષિ ઉત્પાદનોના પ્રાકૃતિક સ્વરૂપને જાળવી રાખવું પડશે. ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં એક કૃષિ યુનિવર્સિટી સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિને સમર્પિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી સારવાર માટે નાણાંની માંગ કરે છે,
જેમાંથી સૌથી વધુ કેસ કેન્સરના છે. થોડા વર્ષો પહેલાં સ્થિતિ આટલી ખરાબ નહોતી. આજે ગામોમાં કોઈ યુવાન કિડની, કોઈ હૃદય અથવા કોઈ કેન્સર જેવી બીમારીથી પીડાય છે. આનું કારણ એ છે કે, આપણા આહારને ક્યાંક ને ક્યાંક અસર થઈ છે. જેના કારણે નવી બીમારીઓ ફેલાઈ રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને ગંભીર બીમારીઓથી બચાવવા માટે પ્રાકૃતિક ખેતીનો નવો મંત્ર આપ્યો છે.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું નહીં થાય, પાણીના વપરાશમાં પણ 50 થી 60% ની બચત થશે, ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ આવશે, રાસાયણિક ખાતર પર વપરાતા ભારત સરકારના અઢી લાખ કરોડ રૂપિયા બચશે, લોકોનું આરોગ્ય જળવાશે, સ્વાસ્થ્ય સુધરશે અને દેશી ગાય માતાનું સંવર્ધન થશે. એક કામથી અનેક લાભ છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનથી વ્યક્તિ પહેલવાન થશે, જ્યારે રાસાયણિક ખેત ઉત્પાદનથી કેન્સરવાન થશે.
કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિશ્વવિદ્યાલયના નિષ્ણાતોને વિનંતી કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જ્યાં સુધી આપણે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીના ભેદને નહીં સમજીએ ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી મિશન આગળ નહીં વધે. સૌથી મોટી સમસ્યા એ જ છે કે, વૈજ્ઞાનિકો અને કૃષિ સાથે જોડાયેલા લોકો જ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો ભેદ જ નથી સમજતા. તેનું પરિણામ એ છે કે તેઓ સ્વયં ભ્રમિત છે અને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. તેમણે જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતી વિશે વિસ્તૃત સમજણ આપીને તેના દુષ્પરિણામોથી સૌને માહિતગાર કર્યા હતા.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, હું ખેડૂત પણ રહ્યો છું અને શિક્ષક પણ રહ્યો છું. મેં મારા હાથથી હળ ચલાવ્યા છે. ગાયનું દૂધ દોહવાની એક સ્પર્ધામાં હું ફર્સ્ટ આવ્યો છું. હું આજે પણ પાવડો એટલી મજબૂતીથી ચલાવી જાણું છું. હું ખેતી કરું છું, ખેતીમાં કાગળની કાર્યવાહીનો માસ્ટર નથી. આપણું દુર્ભાગ્ય છે કે, જેમણે માત્ર ડિગ્રી લીધી છે, ખેતીની જાણકારી નથી, એક પણ ટુકડામાં આજ સુધી ખેતી નથી કરી તેવા લોકો ખેડૂતોને ખેતી શીખવી રહ્યા છે. જો આપણે પ્રાકૃતિક કૃષિના વિજ્ઞાનને સમજી લઈશું તો દેશનું ભાગ્ય બદલાઈ જશે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ જીવાણુની ખેતી છે. પ્રાકૃતિક કૃષિમાં બહારથી કોઈ સામાન જોઈએ નહીં. જ્યારે ખેડૂતનો ખર્ચ જ ઝીરો હશે, અને ઉત્પાદન નહીં ઘટે તો ખેડૂતને અને દેશને ફાયદો જ ફાયદો થશે. પ્રાકૃતિક ખેતી જો પ્રમાણિકતાથી કરવામાં આવે અને તેના પાંચ પરિમાણ સાથે કરવામાં આવે તો ફાયદો નિશ્ચિત છે. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન-મલ્ચિંગ અને મલ્ટી ક્રોપ-એક સમયે અનેક પાક; બસ આ પાંચ નિયમો અને બીમારીઓની રોકથામ માટે નિમાસ્ત્ર, અગ્નિાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવી જડી-બૂટી જે ખેતરમાં છોડમાંથી તોડી ને ગોમૂત્રમાં બનાવવામાં આવે છે, તે તમામ પ્રકારની બીમારીઓનો ઉપાય છે.
કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતો પ્રત્યે ખૂબ સન્માન સાથે શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશ આઝાદ થયો અને હરિત ક્રાંતિની આવશ્યકતા હતી તે સમયે પૂર્વજોએ દેશને ભૂખમરાથી બચાવ્યો. આજે તમારી સામે ધરતીને બચાવવાનો પડકાર છે, પાણી બચાવવાનો પડકાર છે, લોકોના આરોગ્ય સુધારવાનો પડકાર છે, ખેડૂતોની સમૃદ્ધિ આણવાનો પડકાર છે અને ભારતનું ધન બચાવવાનો પડકાર છે. ભૂમિ બચશે તો આપણે બચીશું. આ તમામ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી શ્રી સૂર્ય પ્રતાપ શાહી, કૃષિ રાજ્ય મંત્રી શ્રી બલદેવ સિંહ ઔલખ, લદ્દાખના કાર્યકારી સભાસદ સ્ટેનઝિન ચોસ્ફેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ, કૃષિ ઉત્પાદન કમિશનર ડૉ. દેવેશ ચતુર્વેદી, કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ ડૉ. યોગિતા રાણા સહિત વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ, નિષ્ણાતો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.