બિરસા મુંડા સમજીને કોઇક બીજાની પ્રતિમા ઉપર ફૂલ ચડાવવા પહોંચ્યા અમિત શાહ!
કોલકાતા, કેન્દ્રિય ગૃહમંત્રી અને બીજેપા નેતા અમિત શાહ બે દિવસના બંગાળ પ્રવાસ પર છે. પોતાના આ પ્રવાસના પહેલા દિવસે તેમણે પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લામાં બિરસા મુંડાના જે પ્રતિમા ઉપર ફૂલ ચડાવ્યા, તેને લઇને વિવાદ થયો છે. બંગળની મુખ્ય રાજનૈતિક પાર્ટી ટીએમસીએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે તે પ્રતિમા બિરસા મુંડાની નથી પરંતુ કોઇક બીજા આદિવાસી નેતાની છે.
બાંકુડા એ આદિવાસી બહુમતિ ધરાવતો જિલ્લો છે. અમિત શાહે અહીંથી પોતાની યાત્રાની શરુઆત કરી છે. ભાજપના નેતાઓ અમિત શાહને બિરસા મુંડાની પ્રતિમા પાસે લઇ ગયા. પરંતુ જ્યારે ખબર પડી કે આ પ્રતિમા તો બિરસા મુંડાની છે જ નહીં તો તરત જ બિરસા મુંડાની તસવીર મંગાવવામાં આવી અને તેને પ્રતિમા પાસે મૂકીને તેને ફૂલ ચડાવવામાં આવ્યા. અમિત શાહે આ સમગ્ર કાર્યક્રમના ફોટો ટ્વિટર પર શેર પણ કર્યા.
ફોટો શેર કરતા અમિત શાહે લખ્યું કે, આજે પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં પ્રસિદ્ધ આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરી. બિરસા મુંડાજીનું જીવન આપણા આદિવાસી બહેનો અને ભાઇઓના અધિકારો અને ઉત્થાન માટે સમર્પિત હતું. તેમનું સાહસ, સંઘર્ષ અને બલિદાન આપણને બધાને પ્રેરિત કરતું રહેશે.
જો કે આ બાદ તરત જ ટીએમસીએ ટ્વિટ કર્યુ, ફરી એક વખત બહારી. કેન્દ્રિય મંત્રી અમિત શાહ બંગાળની સંસ્કૃતિથી એટલા અનિભજ્ઞ છે કે તેમણે ખોટી મૂર્તિને માળા પહેરાવી અને ભગવાન બિરસા મુંડાની તસવીરને કોઇક બીજાના પગમાં રાખઈ. શું તેઓ બંગાળનું સન્માન કરશે?
આદિવાસીઓના એક સંગઠને આ ઘટનાને બિરસા મુંડાનું અપમાન ગણાવ્યું છે. તો એવા સમાચાર પણ મળી રહ્યા છે કે તે મૂર્તિને શુદ્ધ કરવા માટે સ્થાનિક આદિવાસીઓએ ગંગાજળનો છંટકાવ પણ કર્યો છે. તો બીજી તરફ ભાજપે ટીએમસીના તમામ દાવાને નકાર્યા છે.