બિલાડીને બચાવવામાં કાર ખાડામાં પલટતાં એકનું મોત
રાજકોટ: રાજકોટના જામનગર રોડ પર ફરી વખત જીવલેણ અકસ્માતનો બનાવ બન્યાનું સામે આવ્યું છે. બિલાડીને બચાવવા જતાં કાર પલટી મારતા કાર ખાડામાં પડી હતી. આ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કેટલાક મિત્રો બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવા માટે જામનગર રોડ પર આવેલા ન્યારી પેલેસ હોટલ પર જઈ રહ્યા હતા. આ સમયે જામનગર રોડ પર આવેલા રાધે કાઠીયાવાડી હોટલ પાસે સામેથી આવતી કાર અને બિલાડીને બચાવવા જતાં મિત્રોની કાર પલટી મારી ખાડામાં ખાબકી હતી.
કાર ખાડામાં ખાબકતા બોનેટ,ઉપરના ભાગે તેમજ આગળના ભાગે મોટાપાયે નુકસાન થયું હતું. જેના કારણે મહા મહેનતે ચાલક યુવાનને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જાેકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું
જ્યારે કે અન્ય મિત્રને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે પડધરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાજકોટના એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા આદર્શ ઓઝા નામનો યુવાન તેના મિત્રો સાથે કારમાં રાત્રિના સમયે બર્થડે પાર્ટી માટે જતો હતો. કારને અકસ્માત નડતા કારમાં સવાર આદર્શ અને તેના મિત્ર હાર્દિકને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવની જાણ થતાં આદર્શ અને હાર્દિકના પરિવારજનો તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે પુત્રનો મૃતદેહ જાેઈ પિતા આઘાતમાં સરી પડયા હતા. આદર્શ એન્જિનિયરિંગમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આમ ઘરના આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતક આદર્શના મિત્રોના જણાવ્યા અનુસાર તમામ મિત્રો ત્રણ અલગ-અલગ કારમાં સવાર હતા. હાલ રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુ ની અમલવારી હોય તેથી તમામ મિત્રોએ બર્થ ડે પાર્ટી ઉજવવાનું પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યારી પેલેસ હોટલ ખાતે નક્કી કર્યું હતું.