Western Times News

Gujarati News

બિલ્ડરની લાપરવાહીના કારણે બે આશાસ્પદ કિશોરોના મોતની ઘટના ગરમાઈ

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
દેવીપૂજક સમાજે બન્ને કિશોરોની લાશ શક્તિનાથ સર્કલ પર મૂકી ન્યાયની માંગ ઉઠાવી: બિલ્ડરની ધરપકડ કરી હાજર કરો: દેવીપૂજક સમાજ
(પ્રતિનિધિ) ભરૂચ, ગતરોજ ઉમરાજ ખાતે બિલ્ડરે ખોડેલા વિશાળ ખાડામાં ભરાયેલા પાણીમાં ભરૂચના સાબુઘઢ મહાવીર ઝૂંપડપટ્ટીના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા બે કિશોરો ના ડૂબી જતાં મોત થવાની ઘટના આજરોજ ગરમાઈ હતી. બે કિશોરોના મોત થી રોષે ભરાયેલ દેવી પૂજક સમાજે બન્ને મૃતકોની લાશને શક્તિનાથ સર્કલ પર મૂકી એક કલાક સુધી ચક્કાજામ કરી લાપરવાહ બિલ્ડરની ધરપકડ કરી હાજર કરવાની માંગ ઉઠાવી હતી.

ગતરોજ ભરૂચના ઉમરાજ ખાતે દહેજ બાયપાસ રોડ ઉપર મયુરીની બાજુમાં સુરતના બિલ્ડરે કોમ્પ્લેક્ષ ઉભું કરવા વગર મંજુરી એ કામકાજ શરૂ કરી વિશાળ ખાડો ખોદયો હતો. પાછળથી મંજૂરી અટવાતા તેને આંખે આખી સ્કીમ પડતી મૂકી હતી. ચોમાસા દરમ્યાન ખાડામાં પાણી ભરાયા હતા. જ્યાં રવિવારના રોજ મહાવીર ઝૂંપડપટ્ટી ના ગૌતમ ઘીવાલા અને રાહુલ ઘીવાલા નામના ધોરણ ૧૦માં અભ્યાસ કરતા બે કિશોરોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટના આજરોજ વધુ ગરમાઈ હતી. આજરોજ બન્ને કિશોરોની અંતિમ યાત્રા દરમ્યાન રોષે ભરાયેલ દેવી પૂજક સમાજે બન્ને મૃતદેહોને શક્તિનાથ સર્કલ પર જ રોડ પર મૂકી ચક્કાજામ કર્યો હતો. દેવી પૂજક સમાજની મહિલાઓ અને યુવતીઓએ રોડ પરજ બેસી જઈ બિલ્ડરની લાપરવાહીના કારણે બન્ને આશાસ્પદ કિશોરોના મોત થયા હોવાના આક્ષેપ કર્યા હતા.

દેવી પૂજક સમાજના આગેવાનો અને યુવાનોએ ટ્રેક્ટરને રોડ પર આડું મૂકી દઈ રસ્તો બંધ કરી દેતા સર્કલની ચારે તરફ વાહનોના ખડકલા થયા હતા. મૃતકના સમાજે લાપરવાહ બિલ્ડરની ધરપકડ કરી તેમની પાસે હાજર કરવાની માંગ ઉઠાવી હતી. ચક્કજામના પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બારીયા પોલીસ કાફલા સાથે શક્તિનાથ ખાતે દોડી આવ્યા હતા. જેમણે મૃતકોના પરિવાર અને સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. જેના કારણે દેવીપૂજક સમાજે જિલ્લા કલેકટર શક્તિનાથ સર્કલ પર આવે તેવી જીદે ચડ્‌યા હતા. આખરે મામલતદાર પી.ડી.પટેલે દોડી આવી સમજાવટથી કામ લેતા આખરે મામલો થાળે પડ્‌યો હતો. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.