બિલ્ડરની હત્યા માટે ૮૦ હજારમાં સોપારી લીધી હતી
પોલીસે આ પ્રકરણમાં ચાર હત્યારાને દબોચી લીધા છે પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે
તાપી: તાપીના વ્યારામાં થયેલી બિલ્ડર યુવાનની હત્યાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. પોલીસે આ પ્રકરણમાં ચાર હત્યારાને દબોચી લીધા છે. પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે. હત્યારા સોપારી કિલર નીકળ્યા છે. તાપીના વ્યારા નગરમાંથી પસાર થતાં હાઈવે પર ગત ૧૪મી મેની રાત્રે કર્ફ્યુ પહેલાં જ એક બિલ્ડર યુવાનની હત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનો માહોલ ગરમ કરી દીધો હતો. ઘરેથી તડબૂચ લેવા નીકળેલા બિલ્ડરની રસ્તા વચ્ચે જ તલવાર અને છરીના ઘા ઝીંકી હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતાં.
અંતે પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા અને ચાર શખ્સોને દબોચી લીધા છે. આરોપીઓને પકડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ, કારની નંબર પ્લેટ અને વિવિધ સર્વેલન્સના આધારે આ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં બે હત્યારા પ્રતિક ચુડાસમા અને નવીન ચુડામણ નીકળ્યા જ્યારે અન્ય બે શખ્સ વ્યારાના જેની હત્યામાં મદદગારી કરવાના આરોપસર ધરપકડ કરાઈ છે.
તપાસમાં સામે આવ્યું છે કે વ્યારાના નવીન ખટીક નામના આરોપીએ ૮૦ હજારની સોપારી બિલ્ડરની હત્યા માટે આપી હતી, નવીન ખટીક હાલ પોલીસ પકડથી દૂર છે. તાપીના વ્યારાનગરમાં બનેલી ચકચારી બિલ્ડર હત્યા પ્રકરણમાં પોલીસ હજુ માત્ર ચાર હત્યારા સુધી જ પહોંચી શકી છે. ત્યારે હત્યા માટેનું સાચુ કારણ શું અને અને અન્ય કોણ કોણ આ હત્યામાં સામેલ છે તે તમામ સવાલોના જવાબ મુખ્ય આરોપી પકડાય ત્યારે જ સામે આવે તેમ છે.