બિલ્ડરનું અપહરણ કરવા નિકળેલી સશસ્ત્ર ટોળકી ઝડપાઈ
વાપીના વેપારીના કર્મીએ ટીપ આપ્યા બાદ અમદાવાદથી પાંચ ઈસમો બે ગાડીમાં અપહરણ કરવા નીકળ્યા અને અગોરા મોલ પાસે ઝડપાયાઃ દસ દિવસ અગાઉ રેકી કરી હતી : પિસ્તોલ તથા જીવતા કારતુસ ઝડપાયા
શહેર ક્રાઈમબ્રાંચે પાંચ શખ્સોને પકડી વાપીના વેપારીનું અપહરણ તથા લુંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ વધી રહયા છે. પોલીસની સતત વોચ છતાં અપહરણ, મારામારી, લુંટ અને ખુન સહીતના ગુનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ઉપરાંત કેટલાક સમયથી શખ્સો પાસેથી ગેરકાયદેસર હિંસક હથિયારો પકડવામાં આવી રહયા છે. અમદાવાદમાં હાલમાં અપહરણના કિસ્સા પણ સામે આવ્યા છે જેના પગલે વેપારીઓમાં ફફડાટ જાેવા મળી રહયો છે.
આ સ્થિતિમાં શહેર ક્રાઈમબ્રાંચની એક ટીમે પાંચ શખ્સોને અગોરા મોલ નજીકથી ઝડપી લઈને એક વેપારીનું અપહરણ થતાં રોકયુ છે. બે ગાડીમાં સજ્જ પાંચેય શખ્સો પાસેથી પિસ્તોલ, છરા તથા અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાપીના વેપારીના અપહરણ અને લુંટની યોજના તેમના ત્યાં કામ કરતા એક કર્મચારીએ જ બનાવી હોવાનું હાલમાં બહાર આવ્યું છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચના પીઆઈ એ.વાય. બલોચની ટીમને અમદાવાદના શખ્સો વાપીના વેપારીનું અપહરણ કરવા જઈ રહયા હોવાની બાતમી મળી હતી જેને આધારે ક્રાઈમબ્રાંચની ટીમો સાદા વેશમાં તપોવન સર્કલ નજીક આવેલા બાલાજી અગોરા મોલ આગળ ગોઠવાઈ ગયા હતા અને રાત્રે ૧૦ વાગ્યાના સુમારે બાતમી મુજબની બે કાર આવતા ક્રાઈમબ્રાંચની ટીમ તુરંત એલર્ટ થઈ ગઈ હતી.
બે કારને કોર્ડન કરીને તેમાં પાંચ બેઠેલા શખ્સોને નીચે ઉતારીને તમામની અંગજડતી લેતા એસેન્ટ કારના ડ્રાઈવર આરીફ શબીરભાઈ શેખ (ઉ.વ.ર૯) રહે. સોહીલ ડુપ્લેક્ષ સાવન પાર્ટી પ્લોટ પાછળ સરખેજ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા. જયારે અન્ય ચાર શખ્સો (૧) મહમંદ જાવેદ સલીમભાઈ બાંધણીવાળા (ઉ.વ.૪૧) રહે. પીપળાવાસ ગોળલીમડા, (ર) રાજેશ ઉર્ફે રાજુ મહેશભાઈ રાઠોડ (ઉ.ર૪) રહે. છારાનગર કાળીગામ (૩) વિક્કી જશુભાઈ જાડેજા (ઉ.ર૬) રહે. છારાનગર, કાળીગામ (૪) મહમદ ફૈઝાન ઉર્ફે મૌલાના મેમણ (ઉ.વ.ર૯) શકિત સોસાયટી, દાણીલીમડાની તપાસ કરતા તેમની પાસેથી પણ છરા તથા ચપ્પા જેવા હથિયારો મળી આવ્યા હતા.
પોલીસ પાંચેય શખ્સોને જમાલપુર હવેલી ખાતે ક્રાઈમબ્રાંચની ઓફીસે લઈ આવી હતી અને કડક પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં વાપી ટાઉનમાં ઈમરાનગર ખાતે રહેતો મહંમદ અલ્તાફ મંસુરીએ ટીપ આપી હતી કે તે પોતે સઈદભાઈ નામના કન્સ્ટ્રકશનના વેપારી સાથે નોકરી કરે છે તેમની પાસે પ૦ કરોડ રૂપિયા છે ઉપરાંત ઓફીસમાં પણ મોટી રકમ રાખે છે. જેથી તેમની ઓફીસમાં લુંટ કરી અપહરણ દ્વારા મોટી રકમ વસુલી શકાય તેમ છે.
હાલમાં પૈસાની ખેંચ હોવાથી અમદાવાદના આરીફ, જાવેદ, રાજેશ, વિક્કી તથા ફૈઝાન પણ અલ્તાફના આ પ્લાન સાથે સંમત થયા હતા. બાદમાં સઈદભાઈનું અપહરણ કરવા માટે પિસ્તોલ મંગાવી હતી. ઉપરાંત ગુનાને સફળતાપૂર્વક પાર પાડવા માટે દસેક દિવસ અગાઉ પાંચેય શખ્સો વાપી ગયા હતા અને ત્રણ દિવસ સુધી વેપારી સઈદભાઈની રેકી કરી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અલ્તાફ તથા આરીફને એકબીજા સાથે ફોન પર તથા વોટસઅપ ઉપર વાત ચાલતી હતી જાેકે ચાલાક આરીફે વાત કર્યા બાદ પોતાની તમામ ચેટ વોટસઅપમાંથી ડિલીટ કરી નાંખી હતી અને શુક્રવારે રાત્રે વાપી પહોંચીને સઈદભાઈનું અપહરણ કરી લુંટ કરવાના ગુનાને અંજામ આપવા નીકળ્યા હતા. જાેકે તે તેમના ઈરાદામાં સફળ થાય એ પહેલાં જ ક્રાઈમબ્રાંચની ટીમે તેમને ઝડપી લીધા હતા અને તુરંત વાપી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જાેકે લખાઈ રહયું છે
ત્યાં સુધી વાપીમાં રહેતો અપહરણનો પ્લાન ઘડનાર અલ્તાફ પકડાયો છે કે નહી તે જાણી શકાયું નથી. અપહરણના ગુનામાં સામેલ પાંચ શખ્સોમાંથી બે અગાઉ પ્રોહીબિશનના કેસમાં પકડાયેલા છે અને હાલમાં કોઈ પ્રવર્તિ ન કરતાં હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે ક્રાઈમબ્રાચે આરીફે પિસ્તોલ ક્યાંથી મેળવી એસેન્ટ તથા શેવરોલેટ કાર ચોરીની છે કે તેમની પોતાની ઉપરાંત પિસ્તોલ વડે ભુતકાળમાં અન્ય ગુના આચરાયા છે કે નહી તે દિશામાં તપાસ હાથ ધરી છે ક્રાઈમબ્રાંચે પિસ્તોલ, કારતુસ, ૬ મોબાઈલ ફોન, છરા, રોકડા ૧ર હજાર તથા બે કાર મળીને કુલ સાડા ત્રણ લાખ રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.