બિલ્ડર હત્યા કેસમાં અબુ સાલેમની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

મુંબઇ, ૧૯૯૫ માં મુંબઈનાં બિલ્ડર પ્રદીપ જૈનની હત્યાનાં કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર અબુ સાલેમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ચીફ જસ્ટિસ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે, “આ અપીલની પેન્ડન્સી દરમિયાન જામીન મેળવવા માટે અરજદાર/અપીલકર્તા વતી દાખલ કરાયેલી અરજી છે. બન્ને પક્ષોનાં વકીલને સાંભળ્યા અને કરવામાં આવેલા નિવેદનોને ધ્યાનથી વાંચ્યા બાદ અરજદાર/અપીલકર્તાને જામીન આપવા માટે અમે ઇચ્છુક નથી આ કારણોસર પિટિશન ફગાવી દેવામાં આવી છે.”
આપને જણાવી દઇએ કે, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫નાં રોજ, વિશેષ ટાડા કોર્ટે અબુ સાલેમને બિલ્ડર અને તેના ડ્રાઈવર મેહદી હસનની હત્યા માટે આજીવન કેદની સજા ફટકારી હતી. પોલીસે દાવો કર્યો હતો કે જૈનને ૭ માર્ચ, ૧૯૯૫નાં રોજ તેમના જુહુનાં બંગલાની બહાર હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેમણે અબુ સાલેમને તેમની વિશાળ સંપત્તિનો ભાગ આપવાનો ઇનકાર કર્યો હતો.
ન્યાયાધીશ સૂર્યકાન્ત અને હિમા કોહલીની બેન્ચે કહ્યું, “કેસનાં તથ્યો અને સંજાેગોને ધ્યાનમાં રાખીને, અમે રજિસ્ટ્રીને આ અપીલો (ફેબ્રુઆરી ૨૦૧૫ના ચુકાદાની વિરુદ્ધ) ને નવેમ્બર ૨૦૨૧નાં ત્રીજા સપ્તાહમાં અંતિમ નિકાલ માટે આ અપીલની યાદીની સૂચના આપીએ છીએ.” અબુ સાલેમ ૧૯૯૩નાં મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો પણ દોષિત છે. લાંબી કાનૂની લડાઈ બાદ ૧૧ નવેમ્બર ૨૦૦૫નાં રોજ તેને પોર્ટુગલમાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.HS