બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટનાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી રાજીનામું આપ્યું
નવીદિલ્હી, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે શુક્રવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી રાજીનામું આપ્યું હતું. તેની પાછળનું કારણ બિલ ગેટ્સના સામાજિક કાર્યને વધુ સમય આપવાનું છે. ૬૪ વર્ષિય બિલ ગેટ્સે એક દાયકા પહેલા જ કંપનીની દૈનિક કામગીરીમાં જોડાવાનું બંધ કરી દીધું હતું.
માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ કહ્યું, ‘બિલ સાથે કામ કરવું અને શીખવું એ ખૂબ જ સન્માનની વાત છે. તેમણે સોફ્ટવેર અને પડકારોને હલ કરવાની ઉત્કંઠાથી કંપનીની સ્થાપના કરી હતી. ‘ નાડેલાએ જણાવ્યું હતું કે માઈક્રોસોફટ બિલ ગેટ્સ તરફથી સલાહકાર તરીકે લાભ મેળવશે. તેમણે કહ્યું, “હું બિલની મિત્રતા માટે આભારી છું અને તેની સાથે કામ કરવાનું ચાલુ રાખવા માંગું છું.” બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા સાથે તકનીકી સલાહકાર તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
આપને જણાવી દઈએ કે બિલ ગેટ્સ, જે પાછલા કેટલાય વર્ષોમાં સતત વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક રહ્યા છે, તેમણે ૧૯૭૫ માં પોલ એલન સાથે માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. ૨૦૦૦ માં બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટ સીઇઓ પદ છોડ્યું હતું. તે જ સમયે, કંપનીના વર્તમાન સીઇઓ સત્ય નાડેલા ૨૦૧૪ માં માઇક્રોસોફ્ટના ત્રીજા સીઈઓ બન્યા હતા.