‘બિલ ચૂકવી જવા વારેવારે ફોન કરતી હૉસ્પિટલે આગની ઘટના બાદ એક ફોન પણ ન કર્યો: મૃતકના પરિવારજનોનો વિલાપ
અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એક કોવિડ હૉસ્પિટલ હતી. અહીં કોરોના દર્દીઓ સાજા થવા માટે આવ્યા હતા, પરંતુ કમનસિબે આગમાં તેઓએ જીવ ગુમાવ્યો. આગની ઘટનામાં હૉસ્પિટલ સમક્ષ ફાયર સેફ્ટી ન હોવાથી લઈને અનેક આક્ષેપ થઈ રહ્યા છે.
મૃતકોના પરિવારના લોકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ હૉસ્પિટલના સ્ટાફે તેમના સ્વજનોને મરવા માટે છોડી દીધા હતા. એટલું કે તેમને ફોન કરીને આગ લાગી હોવાની કે તેમના સ્વજનોની શું હાલત છે તેની પણ માહિતી આપી ન હતી. બીજી તરફ એવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે ICUનો દરવાજો ખોલવા માટે થમ્બ લોક હતું. આગ બાદ આ લોક ખુલી શક્યું ન હતું.
એક મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે, “અમને પૈસા નથી જોઈતા. જે વ્યક્તિએ સુરક્ષા નથી રાખી તેને જેલભેગો કરો. આઠ લોકોનો જીવ ગયો છે. હૉસ્પિટલે કહ્યુ કે ઇન્જેક્શનન લગાવવાનું છે, ત્રણ લાખ જમા કરાવો તો આ પરિવારે પૈસા જમા કરાવ્યા છે. દર્દીનું મોત થયું છે ત્યારે હૉસ્પિટલે એક ફોન કરવાની તસદી પણ લીધી નથી.”
અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “આગ બાદ આઈસીયૂમાં દાખલ કોઈને બચાવવાનો પ્રયાસ નથી કરતા. હકીકતમાં ત્યાં કોઈ હતું જ નહીં. આઠ લોકોને ભગવાનના ભરોશે મરવા માટે છોડી દીધા હતા. જો પ્રયાસ કર્યો હોય તો એક વ્યક્તિનો તો જીવ બચી શક્યો હોત.”
એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે, “હૉસ્પિટલમાં જો સાતથી આઠ દર્દી હોય તો સામાન્ય રીતે 10-15 લોકોનો સ્ટાફ હોય. આ લોકો કંઈ કર્યાં વગર સ્થળ છોડીને ભાગી ગયા હતા. પાંચ સેકન્ડ મળી જાય તો દર્દી બચી જાય. પાંચ સેકન્ડનો પણ સમય ન મળ્યો તે પણ તપાસનો વિષય છે. રાત્રે બનાવ બન્યો હતો.
સવારે છ વાગ્યા ફોન આવ્યો કે આવું બન્યું છે તમે હોસ્પિટલ આવી જાવ. જે બાદમાં મેં માલિક ભરત મહંતને ફોન કર્યો હતો. તેમણે કોઈ લાગણી જ ન હોય તેવો જવાબ આપી દીધો હતો કે આવું બન્યું હતું અને આઈસીયૂમાં દાખલ તમામ લોકોનાં મોત થાય છે. મારો ભાઈ કોરોનાથી મર્યો હતો તો મને અફસોસ ન થાત. કારણ કે એ જંગ તો અમે જીતી ગયા હતા.”