બિહારઃ તેજસ્વી યાદવ બેકારી વિરૂદ્ધ રેલી યોજશે

પટણા, બિહારમાં ચાલુ વર્ષમાં ગમે ત્યારે આવી પડનારી બિહાર વિધાનસભાની ચૂંટણીને નજર સામે રાખીને રાજદના લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે બેકારી વિરુદ્ધ રેલીઓ યોજવાની જાહેરાત કરી હતી. આમ તો દરેક રાજકીય પક્ષે પોતપોતાની રીતે પૂર્વતૈયારી આદરી દીધી હતી. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વીએ પહેલ કરી હોવાનું કહી શકાય. વિધાનસભાનું નવું સત્ર ૨૪ મી ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. તેજસ્વીએ કહ્યું કે વિધાનસભા સત્ર ચાલુ હશે એ સમયે પણ મારી બેકારી વિરુદ્ધની રેલીઓ ચાલુ રહેશે.
જો કે પોતે ક્યારથી આવી રેલી શરૂ કરશે એની જાહેરાત હજુ તેજસ્વીએ કરી નથી. ફક્ત એટલું કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હું કુલ છ અઠવાડિયાં સુધી રેલીઓ યોજીશ. તેમણે એવો દાવો કર્યો હતો કે અત્યારે દેશ આર્થિક મંદી અને બેકારીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. હું લોકોનું ધ્યાન એ તરફ કેન્દ્રીત કરીશ અને એવી હાકલ કરીશ કે બેકાર યુવાનો ખોટે રસ્તે જાય એના કરતાં એમને રોજી રોટી આપો. છેલ્લા થોડા મહિનાથી તેજસ્વી વડા પ્રધાન કે ગૃહ પ્રધાનનું નામ લીધા વિના બેકારી અને મંદી માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવતાં વિધાનો કરી રહ્યો હતો.