બિહારઃ ધોળા દિવસે ચોર લોખંડનો 60 ફૂટ લાંબો પુલ ચોરી ગયા

નાસરીગંજ, બિહારમાં સાસારામ જિલ્લાના નાસરીગંજ ક્ષેત્રમાં આવેલા અમિયાવર ખાતેથી લોખંડના પુલની ચોરી થઈ છે. આરા મુખ્ય નહેર ઉપર બાંધવામાં આવેલા 60 ફૂટ લાંબા, 10 ફૂટ પહોળા અને 12 ફૂટ ઉંચા પુલને સોમવારે જેસીબી વડે ઉખાડીને કોઈ વાહનમાં ભરીને લઈ જવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, પ્રશાસન અને જળ સંસાધન વિભાગને આ ચોરી અંગે કોઈ જ અણસાર પણ નહોતો આવ્યો.
આ પુલ આરા મુખ્ય નહેર પર આવેલા કોન્ક્રીટના પુલથી 50 ફૂટ દૂર બનાવાયો હતો. ગ્રામીણોના કહેવા પ્રમાણે પુલમાંથી જે લોખંડ નીકળ્યું તેને અનેક ફેરામાં પિકઅપ પર લાદીને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યું હતું.
સ્થાનિકોના મતે પુલમાંથી આશરે 20 ટન જેટલું લોખંડ મળ્યું હશે. વધુમાં ગ્રામીણોએ જણાવ્યું કે, પુલ ચોરનારા લોકોએ તેઓ સિંચાઈ વિભાગના કર્મચારી છે તેવી ઓળખ આપી હતી.
ચોરોએ ધોળાદિવસે જ આ કારનામાને અંજામ આપ્યો હતો. ગ્રામીણોના કહેવા પ્રમાણે ચોરોએ પુલને ગેસ કટર વડે કાપીને તેના ટુકડાં જેસીબી વડે ઉખાડીને ગાડીમાં ભર્યા હતા અને આરામથી જતા રહ્યા હતા. બાદમાં તેઓ સિંચાઈ વિભાગના અધિકારીઓ નહીં પરંતુ ચોર હોવાનું સામે આવ્યું હતું.