બિહારના તમામ 45,945 ગામડાંને ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓ દ્વારા જોડવામાં આવશે
પ્રધાનમંત્રી બિહારમાં રૂ. 14,000 કરોડની નવ ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશ
પ્રધાનમંત્રી રાજ્યમાં ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓનું પણ ઉદ્ઘાટન કરશે
આ પરિયોજનાઓથી બહેતર કનેક્ટિવિટી સાથે ઝડપી વિકાસનો માર્ગ મોકળો થશે
PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બર, 2020ને સોમવારના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં નવ ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.
શ્રી નરેન્દ્ર મોદી, બિહારમાં ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓનું પણ ઉદ્ઘાટન કરશે જેની મદદથી રાજ્યના તમામ 45,945 ગામડાંઓને ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટના માધ્યમથી જોડવામાં આવશે.
ધોરીમાર્ગ પરિયોજનાઓ
આ નવ ધોરીમાર્ગ પરિયોજનાઓમાં રૂપિયા 14,258 કરોડના ખર્ચે લગભગ 350 કિલોમીટર લંબાઇના માર્ગોનું નિર્માણ કરવામાં આવશે.
બિહારમાં વિકાસનો માર્ગ મોકળો કરવા માટે, આ માર્ગો બહેતર કનેક્ટિવિટી પૂરી પાડશે, અનુકૂળતા વધશે અને સમગ્ર રાજ્યમાં આર્થિક વિકાસ પણ થશે. લોકો અને માલસામાનની હેરફેરમાં પણ ટકાઉક્ષમ રીતે સુધારો થશે અને ખાસ કરીને પડોશમાં આવેલા રાજ્યો ઉત્તરપ્રદેશ તેમજ ઝારખંડ સાથે પણ બહેતર પરિવહન વ્યવસ્થા ઉભી થશે.
પ્રધાનમંત્રીએ વર્ષ 2015માં બિહારમાં નોંધપાત્ર પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે વિશેષ પેકેજની જાહેરાત કરી હતી. આમાં રૂપિયા 54,700 કરોડની કિંમતની કુલ 75 પરિયોજનાઓ સામેલ છે જેમાંથી 13 પરિયોજનાઓનું કામ પૂરું થઇ ગયું છે, 38 પરિયોજનાઓનું કામ ચાલી રહ્યું છે અને બાકીની બધી DPR/ બિડિંગ/ મંજૂરી જેવા અલગ-અલગ તબક્કે છે.
આ પરિયોજનાઓ પૂર્ણ થઇ ગયા પછી, બિહારમાં તમામ નદીઓ પર 21મી સદીને અનુરૂપ પુલો તૈયાર થઇ જશે અને તમામ મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગો વધુ પહોળા તેમજ મજબૂત બની જશે.
પ્રધાનમંત્રીના પેકેજ અંતર્ગત, ગંગા નદી પર કુલ 17 પુલોનું નિર્માણ કરવામાં આવશે જેમાં કુલ 62 લેનની ક્ષમતા હશે. આ પ્રકારે, રાજ્યમાં પ્રત્યેક 25 કિલોમીટરના અંતરે નદીઓ પર પુલ હશે.
આ પરિયોજનાઓમાં રૂ. 1149.55 કરોડના ખર્ચે NH-31 પર ભખ્તિયારપુર- રાજૌલી વિભાગ પર 47.23 કિમીનો ફોર લેન માર્ગ, રૂ. 2650.76 કરોડના ખર્ચે NH-31 પર ભખ્તિયારપુર- રાજૌલી વિભાગ પર 50.89 કિમીનો ફોર લેન માર્ગ, રૂ. 885.41 કરોડના ખર્ચે EPC મોડ પર NH-30ના આરા-મોહાનિઆ વિભાગમાં 54.53 કિમી લાંબો ફોર લેન માર્ગ, રૂ. 855.93 કરોડના ખર્ચે EPC મોડ પર NH-30 પરઆરા-મોહાનિયા વિભાગ પર 60.80 કિમીનો ફોર લેન માર્ગ, રૂ. 2288 કરોડના ખર્ચે HAM મોડ પર NH-131A પર નારેનપુર- પુર્નિયા વિભાગમાં 49 કિમીનો ફોર લેન માર્ગ, રૂ. 913.15 કરોડના ખર્ચે EPC મોડ પર NH-131G પર છ લેનનો 39 કિમીનો પટણા રિંગ રોડ (કાન્હૌલી- રામનગર), રૂ. 2926.42 કરોડના ખર્ચે 14.5 કિમીના નવા ફોર લેન પુલનું નિર્માણ (હાલના MG સેતુની સમાંતર) જેના એપ્રોચ પટણા ખાતે NH-19 પર ગંગા નદીને ઓળંગશે, રૂ. 1478.40 કરોડના ખર્ચે EPC મોડ NH-106 પર કોસી નદીને ઓળંગતા નવા 28.93 કિમી લાંબા 4 લેનના પુલો જેમાં 2 લેન ખુલ્લા શોલ્ડર રહેશે અને રૂ. 1110.23 કરોડના ખર્ચે NH-131B પર ગંગા નદીને ઓળંગતા નવા 4.445 કિમી લાંબા 4 લેન પુલ (હાલના વિક્રમશીલા સેતુને સમાંતર)નું બાંધકામ છે.
ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓ
આ એક પ્રતિષ્ઠાપૂર્ણ પરિયોજના છે જેમાં બિહારના તમામ 45,945 ગામડાંને આવરી લેવામાં આવશે અને તેના કારણે રાજ્યમાં સૌથી છેવાડાના ખૂણા સુધી પણ ડિજિટલ ક્રાંતિ પહોંચાડવાનું શક્ય બનશે.
આ પરિયોજના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ટેલિકોમ વિભાગ અને સામાન્ય સેવા કેન્દ્રો (CSC)ના સંયુક્ત પ્રયાસોથી અમલમાં મૂકવામાં આવશે.
CSC સમગ્ર બિહાર રાજ્યમાં કુલ 34,821 કેન્દ્રો ધરાવે છે. તેઓ આ કાર્યદળનો ઉપયોગ માત્ર આ પરિયોજનાનો અમલ કરવા માટે જ નહીં પરંતુ બિહારના દરેક ગામડાંમાં સામાન્ય લોકો સુધી ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓ પહોંચાડવા માટે તેને વ્યાવસાયિક ધોરણે ચલાવવા માટે પણ કરશે. આ પરિયોજના અંતર્ગત પ્રાથામિક શાળા, આંગણવાડી કેન્દ્રો, આશા વર્કરો, જીવિકા દીદી વગેરે સરકારી સંસ્થાઓમાં એક વાઇ-ફાઇ અને વિનામૂલ્યે 5 જોડાણો પણ પૂરા પાડવામાં આવશે.
આ પરિયોજનાઓથી ઇ-શિક્ષણ, ઇ-કૃષિ, ટેલિ-મેડિસિન, ટેલિ-લૉ અને અન્ય સામાજિક સુરક્ષાની યોજના સહિત વિવિધ ડિજિટલ સેવાઓ બિહારના તમામ લોકોને માત્ર એક બટન પર ક્લિક કરવાથી ખૂબ સરળતાથી તેમના સુધી પહોંચી શકશે.