બિહારના પ્રભારી પદથી શક્તિસિંહને મુક્ત કરાયા
પટના, બિહાર કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પાર્ટીના પદો પરથી મુક્ત થવા માટે અપીલ કરી હતી. જેનો કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. તથા શક્તિસિંહને બિહારના પ્રભારી પદથી મુક્ત કરવામાં આવ્યાં છે.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ શક્તિસિંહ ગોહિલે સોમવારે ટ્વીટ કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલે ટિ્વટ કરી કહ્યું કે, અંગત કારણોને લીધે મેં કોંગ્રેસ હાઇકમાન્ડને અનુરોધ કર્યો છે કે મને હળવી જવાબદારી આપવામાં આવે અને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે.
નોંધનીય છે કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એવામાં સંભાવના હતી કે, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલની જગ્યાએ પાર્ટી મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાને બિહારની જવાબદારી સોંપવામાં આવશે. વર્ષ ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૭૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી માત્ર ૧૯ બેઠકો પર જ પાર્ટીની જીત થઈ હતી.