બિહારમાં એક શ્રમિક ૧૦ લોકોનો ખોરાક ઓહિયા કરી જાય છેઃ રિપોર્ટ

ક્વોરન્ટીન સેન્ટરમાં શ્રમિક સવારના નાસ્તામાં જ ૪૦ રોટલી, 10 પ્લેટ ભાત જોઈએ
પટણા, દેશભરમાં હાલ પ્રવાસી મજૂરોને ઘર વાપસીમાં ભૂખ અને તરસરૂપી પીડાનો સામનો કરવો પડી રહ્યો હોવાના અનેક કિસ્સા ઉજાગર થઈ રહ્યા છે. ત્યારે બિહારના બક્સર સ્થિત ક્વોરન્ટીન સેન્ટરમાં સાવ ઉલટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીંયાના કવોરન્ટીન સેન્ટરમાં હાલ રહેતો એક યુવાન શ્રમિકની ભૂખે સૌકોઈને અચરજમાં નાંખી દીદ્યા છે. તો બીજીબાજુ ક્વોરન્ટીન સેન્ટર માટે તે પરેશાનીનો પર્યાય પણ બન્યો છે.
કારણ સેન્ટરના સંચાલકો માટે આ યુવક માટે બે ટંકના ભરપેટ ભોજનનો પ્રબંધ કરવો પડકારરૂપ બાબત બનતી જઈ રહી છે. આ યુવક ક્વોરન્ટીન સેન્ટરની બહાર પણ ચર્ચાની એરણે રહ્યો છે. તેનો રોજિંદો ખોરાક લોકોને ચોંકાવી રહ્યો છે. આ એક યુવક ૧૦ લોકોનું ભોજન એકલો જ ચટ કરી જાય છે. તેનાં નાસ્તાનાં ખોરાકની વાત કરીએ તો તેમાં ૪૦ રોટલી અને અનેક પ્લેટ ભાતનો સમાવેશ થાય છે. અનૂપ ઓઝા નામનો આ યુવક હાલ મઝવારી ક્વોરન્ટીન સેન્ટરનો અતિથિ બન્યો છે.
જે આજકાલ સમગ્ર બિહારના સોશિયલ મિડિયા પર પોતાના ખોરાકને લઈને ચર્ચાસ્પદ બન્યો છે. ક્વોરન્ટીન સેન્ટરના રસોયાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલાં ભોજનમાં લિટ્ટી(બાટી) બનાવવામાં આવી હતી. ૬૦ લિટ્ટી ઓહિયા કરી ગયા બાદ પણ અનૂપની ભૂખ શાંત થઈ ન હતી. અનૂપ જાતે જ પોતાનાં ખાઉધરાપણા વિશે જણાવ્યું કે તે ૩૦-૩૨ રોટલીથી તો સવારનો નાસ્તો કરે છે.
અનૂપ દસ લોકોનો ખોરાક એકલો જ ઝાપટી જતો હોઈ ક્વોરન્ટીન સેન્ટરમાં કેટલીકવાર બીજીવાર પણ રાંધવાનો વારો આવ્યો હોવાનું તેનાં સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું. એથી જ અન્ય કેટલાક પ્રવાસી મજૂરો તેને કુંભકર્ણ પણ કહી રહ્યા છે. અનૂપને એક સપ્તાહ પૂર્વે જ ક્વોરન્ટીન સેન્ટરમાં આવ્યો હતો. રોજીરોટીની શોધમાં રાજસ્થાન ગયો હતો. લોકડાઉનમાં ફસાયા બાદ હાલ પરત ફરતાં પહેલાં તેને ક્વોરન્ટીન સેન્ટરમાં દેખરેખ હેઠળ રખાયો છે.