બિહારમાં એક સાથે 644 પોલીસકર્મી સામે પગલાં લેવાયાં: 85ને સીધા બરતરફ કરી નાખ્યા
પટણા, બિહારમાં સત્તા પર આવતાંની સાથે મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ભ્રષ્ટાચાર, દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન, રેતી માફિયા સામે પગલાં લેવામાં નિષ્ફળતા વગેરે મુદ્દા આગળ કરીને ઓછામાં ઓછા 644 પોલીસકર્મી સામે શિસ્તભંગના પગલાં લીધાં હતા અને 85ને તો સીધા બરતરફ કરી નાખ્યા હતા.
અત્રે એ યાદ રહે કે તાજેતરમાં થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે રાજદના તેજસ્વી યાદવે સંખ્યાબંધ સભાઓમાં નીતિશ કુમારની સરકારને બિહારના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલી તમામ સરકારોમાં સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી અને એને જાકારો આપવાની હાકલ મતદારોને કરી હતી.
મતદારો તેજસ્વીની દલીલોથી પ્રભાવિત થયા હતા એનો પુરાવો ચૂંટણી પરિણામોમાં દેખાયો હતો. સૌથી વધુ બેઠકો તેજસ્વીના રાજદ પક્ષને મળી હતી. બીજા ક્રમે ભાજપ આવ્યો હતો અને નીતિશ કુમારનો જદયુ પક્ષ છેક ત્રીજા ક્રમે આવ્યો હતો. જો કે ભાજપના સહકારથી નીતિશ કુમાર સતત સાતમી વાર મુખ્ય પ્રધાન તો બન્યા હતા. પરંતુ પોતાને નીચાજોણું થયું એ વાતે એ ખાસ્સા દૂભાયા હતા.