બિહારમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે
નવી દિલ્હી: કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે, ૨૮ ઓક્ટોબર, ૩ નવેમ્બર અને ૭ નવેમ્બર. ૧૦મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વિશેષ તૈયારીઓ કરી છે. મતદાતાઓ માટે ખાસ ગાઇડલાઇન પણ તૈયાર કરી છે. બિહાર વિધાનસભા ચૂંણીમાં પાંચ એવા ફેરફાર જોવા મળશે જે પ્રથમ વખત જ જોવા મળશે.
મુખ્ય ચૂંટણી ધિકારી સુનીલ અરોરાએ બિહારના ચૂંટણી કાર્યક્રમની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે કોરોનાના કારણે લગભગ ૭૦ જેટલા દેશોમાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણી એ લોકોનો લોકતાંત્રિક અધિકાર છે, માટે ચૂંટણી જરુરી છે. કોરોના કાળમાં થનાર બિહારની ચૂંટણીને લઇને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને પોલિંગ બૂથ ઉપર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. જેના માટે નવા પોલિંગ બૂથ ઉભા કરાયા છે. એક પોલિંગ બૂથ પર એક હજાર મતદાતાઓ જ હશે. ઉપરાંત તમામ પોલિંગ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.
બિહાર વિધાનસભાની ચૂંટણી કોરોના કાળની સૌથી મોટી ચૂંટણી છે. ચૂંટણીમાં ૬ લાખ પીપીઇ કિટ અને ૪૬ લાખ માસ્કનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત ફેસ શિલ્ડ, ૨૩ લાખ ગ્લવ્ઝ, ૪૭ લાખ હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે મતદાનના છેલ્લા સમયમાં કોરોનાના દર્દીઓ પણ મતદાન કરી શકશે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ વખતે મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે.
સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. કોરોનાના તમામ નિયમોના પાલન સાથે મતદાન કરવામાં આવશે. રાજનેતિક પક્ષના કાર્યકરો ઘરે ઘરે જઇને પ્રચાર કરી શકશે, પરંતુ તેમની સંખ્યા પાંચ કરતા ઓછી હોવી જોઇએ. તો જે ઉમેદવારો છે તેમને ચૂંટણી ફોર્મ ભરતી વખતે માત્ર બે વાહન લઇ જવાની છૂટ આપવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. ઉપરાંત ચૂંટણી પ્રચાર ઓનલાઇન કરવામાં આવશે. મોટી સભાઓ કે રેલીઓ નહીં થઇ શકે. સોશિયલ મીડિયાનો ઉપયોગ વડે કોઇ તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારો અંગેની માહિતિ વેબસાઇટ પર મુકવામાં આવશે. ઉમેદવારો ઉપર થયેલા કેસોની માહિતિ સાર્વજનિક કરાશે.