બિહારમાં બાર ડાન્સર્સને પાંજરામાં પૂરીને નચાવાઈ

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં બિહારના આરા ખાતેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલીક ડાન્સર્સ પાંજરાની અંદર કેદ થઈને પોતાની કલાનું પ્રદર્શન કરતી જાેવા મળે છે. આ દરમિયાન લોકડાઉનના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું હતું અને લોકોએ કોવિડ પ્રોટોકોલ્સના ધજાગરા ઉડાવ્યા હતા.
આ ઘટના ભોજપુર જિલ્લાના કોઈલવર ખાતે બની હતી. ત્યાં એક લગ્ન પ્રસંગે બાર ડાન્સર્સને પાંજરામાં પુરીને નચાવવામાં આવી હતી. છોકરીઓ આખી રાત પાંજરામાં ડાન્સ કરતી રહી હતી અને બહાર લોકો હુલ્લડ મચાવતા રહ્યા હતા.
બિહારમાં મહિલા સશક્તિકરણની દિશામાં મહિલાઓને ૫૦ ટકા આરક્ષણ અપાયેલું છે. આ સંજાેગોમાં લગ્ન પ્રસંગ દરમિયાન બાર ડાન્સર્સને પાંજરામાં પુરીને ડાન્સ કરાવવામાં આવે તે સમાજ અને લોકોની માનસિકતા સામે અનેક ગંભીર સવાલ ઉભા કરે છે.
મિયાંચક મહોલ્લામાં રહેતા મોહમ્મદ નકીબની દીકરીના લગ્ન પ્રસંગ વખતે આ ઘટના બની હતી. ભાગલપુરથી આવેલી જાન દરમિયાન ડાન્સર્સને પાંજરામાં પુરીને નચાવવામાં આવી હતી અને લોકોએ બહાર રહીને તેની મજા માણી હતી.
જાણવા મળ્યા મુજબ છોકરીઓને પાંજરામાં ડાન્સ કરવા માટે મુજફ્ફરપુરથી લાવવામાં આવી હતી અને તેમને ૪,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસને આ અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
આ તરફ ડાન્સર્સના કહેવા પ્રમાણે તેઓ પોતાનું પેટ ભરવા આવા કામ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, પાંજરાને તાળું મારી દેવામાં આવ્યું હતું અને છોકરીઓ અંદર નાચતી રહી હતી. પાંજરૂ એટલું સાંકડુ હતું કે થાક્યા બાદ તેઓ અંદર બેસી પણ નહોતા શકતા.