Western Times News

Gujarati News

બિહારમાં માતા નવજાતને ટ્રેમાં લઈને ભટકતી રહી

વહીવટી તંત્રની બેદરકારીનો વધારે એક કિસ્સો સામે આવ્યો

બિહાર, પોતાના નવજાત બાળકને બચાવવા માટે દુનિયાના કોઈપણ મા-બાપ કંઈપણ કરી શકે છે. પરંતુ તેમ છતા જો સિસ્ટમની બેદરકારીના કારણે જીવન મરણની આ લડાઈમાં જો તેમને હારવું પડે તો તેનાથી મોટું દુઃખ બીજુ કોઈ નથી હોતું. આવો જ એક માનવતાને લજવતો કિસ્સો બિહારના બક્સસથી સામે આવ્યો છે. પોતાના નવજાત બાળકને બચાવવા માટે મજબૂર પિતા ખંભા પર ઓક્સિજન સિલિન્ડર અને માતા ટ્રેમાં નવજાતને લઈને હોસ્પિટલમાં આમથી તેમ ફરતા ધક્કા ખાતા રહ્યા. પણ પોતાના બાળકને બચાવી ના શક્યા. મહત્વનું છે કે આ વિસ્તાર પાછો બીજા કોઈ નહીં પણ રાજ્ય કક્ષાના કેન્દ્રિય આરોગ્ય મંત્રી અશ્વિની કુમાર ચોબેનું સંસદીય ક્ષેત્ર છે. અહીં જિલ્લા હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓની બેદરકારીના કારણે નવજાતનું મોત થઈ ગયું છે. આ ઘટના બક્સના જિલ્લા હોસ્પિટલમાં ૨૩ જુલાઈના રોજ ઘટી હતી. પરંતુ તે સમયે લેવામાં આવેલ તસવીરો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરો સાથે ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર આવ્યા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે.

આ તસવીરમાં એક મહિલા ટ્રેમાં પોતાના નવજાતને રાખ્યો છે અને તેની સાથે નવજાતના પિતા ખંભા પર ઓક્સીજન સિલિન્ડર લઈને દેખાઈ રહ્યા છે. આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ હોસ્પિટલમાં ભરતી થવા માટે ફોર્મ ભરવાની લાંબીલચક કાર્યવાહી કરાવવામાં આવી આ દરમિયાન જ નવજાતનું મોત થઈ ગયું હતું. પીડિત વ્યક્તિએ એક રાષ્ટ્રિય સમાચાર સંસ્થા સાથે વાત કરતા પ્રાઈવેટ અને સરકારી બંને હોસ્પિટલમાં તેમની સાથે કરવામાં આવેલ ગેરવર્તન અંગે રડતા રડતા જણાવ્યું હતું. આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં આવ્યા બાદ સિવિલ સર્જને ડીએસ અને જિલ્લા કલેક્ટરે ડે. કલેક્ટરને આ મામલે તપાસ સોંપી છે. રાજપુર સખુઆના ગામના નિવાસી સુમન કુમારે પોતાની પત્નીને ડિલિવરી માટે બક્સરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ હોસ્પિટલના કર્મચારીઓએ ડિલિવરી કરાવવાની ના પાડી દીધી. જે બાદ તેઓ તાત્કાલિક પોતાની પત્નીને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.