બિહારમાં રેલવેના પરીક્ષાર્થીઓની ધમાલ, પટણા-કુર્લા ટ્રેનને આગ ચાંપી

પટણા, બિહારમાં રેલવેના પરીક્ષાર્થીઓએ ભારે ધમાલ મચાવી દીધી. પટણા-કૂર્લા ટ્રેનને આગ ચાંપવા ઉપરાંત પટણાના રાજેન્દ્ર નગર ટર્મિનલમાં પહોંચી ટ્રેક જામ કરી દીધું. પરીક્ષાર્થીઓએ નોન ટેક્નિકલ કેટેગરીની પરીક્ષામાં અનિયમિતાનો આરોપ લગાવ્યો છે.
બપોરે ૨.૩૦ વાગ્યાથી રાત સુધી અફરાતફડીનો માહોલ રહ્યો હતો. સમજાવટ છતાં વિદ્યાર્થીઓ ન માનતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
રિપોર્ટ મુજબ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ રાજેન્દ્ર નગર કોચિંગ કોમ્પ્લેક્સમાં ઉભેલી કૂર્લા એક્સ્પ્રેસના એક કોચમાં આગ લગાવી દીધી હતા. જાે કે કોઇ યાત્રી નહોવાથી જાનહાનિ થઇ નહતી. પરંતુ તંગ માહોલને કારણે યાત્રીઓમાં દહેશત ફેલાઇ ગઇ હતી. દેખાવોને જાેતા રાજધાની અને ક્રાંતિ એક્સપ્રેસ રદ કરવામાં આવી અને ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
શરુઆતમાં ૩૦૦-૪૦૦ વિદ્યાર્થી રાજેન્દ્ર નગર ટર્મિનલ પર પહોંચ્યા હતા. પરંતુ બે કલાકમાં તેમની સંખ્યા વધી ગઇ હતી. તેમણે અપ અને ડાઉન બંને ટ્રેક જામ કરી દીધા હતા. રેલવે પોલીસ અને આરપીએફ કમાન્ડન્ટે સ્થળ પર પહોંચી પરીક્ષાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ માન્ય નહતા.
વિદ્યાર્થીઓએ સર્કલ મેનેજર પ્રભાતકુમાર સાથે ધક્કામુક્કી પણ કરી હતી. તેઓ રેલવેના જનરલ મેનેજર અને મુખ્યમંત્રી નીતીશકુમારને સ્થળ પર બોલાવવા અડેલા હતા. દરમિયાનમાં ડઝનથી વધુ ટ્રેનોને જે તે સ્થળે અટકાવવી પડી હતી.
રેલવે તરફથી આ અંગે જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તંત્ર તરફથી પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી છે. તેથી કુલ ૧૩કેટેગરીમાં જાહેરાત આપવામાં આવી હતી. તેને પાંચ જૂથમાં વહેંચવામાં આવ્યા.
આરઆરબી દ્વારા એનટીપીસી સીબીટી-૧ની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું. ત્યાર બાદ વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમનો આરોપ છે કે રિઝલ્ટમાં ધાંધલી કરવામાં આવી છે. રેલવેએ ૧૩ જગ્યાની ભરતી માટે પરીક્ષાનું આયોજન કર્યું હતું.
પરંતુ આરોપ છે કે રિઝલ્ટમાં એક જ ઉમેદવારની ઘણી જગ્યા માટે પસંદગી કરવામાં આવી. જેના કારણે બેથી ત્રણ વિદ્યાર્થી રેસમાંથી બહાર થઇ ગયા.HS