બિહારમાં વિશ્વના સૌથી મોટા મંદિર માટે મુસ્લિમે ૨.૫ કરોડની જમીન દાનમાં આપી

નવી દિલ્હી, દેશમાં તમામ મુદ્દાઓ પર ધાર્મિક મતભેદો વચ્ચે બિહારમાં સાંપ્રદાયિક સૌહાર્દની મિસાલ બેસાડનાર એક સમાચાર સામે આવ્યા છે. અહીં એક મુસ્લિમ પરિવારે વિશ્વના સૌથી મોટા મંદિરના નિર્માણ માટે તેમની ૨.૫ કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી છે.
અહીં વિશ્વનું સૌથી મોટું મંદિર, વિરાટ રામાયણ મંદિર, પૂર્વ ચંપારણના કૈથવાલિયા વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે, પટનાના મહાવીર મંદિર ટ્રસ્ટના પ્રમુખ આચાર્ય કિશોરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ઈશ્તિયાક અહેમદ ખાને આ જમીન દાનમાં આપવાનો ર્નિણય કર્યો છે. તે પૂર્વ ચંપારણ સાથે સંબંધ ધરાવે છે અને તેમનો ગુવાહાટીમાં બિઝનેસ છે.
ઈશ્તિયાકે તાજેતરમાં જ મંદિરને જમીન દાનમાં આપવા સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. ભૂતપૂર્વ આઈપીએસઅધિકારી કુણાલે જણાવ્યું હતું કે, પૂર્વ ચંપારણના સબ-ડિવિઝન કેશરિયાની રજિસ્ટ્રાર ઓફિસમાં આ ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી હતી.
આચાર્યએ જણાવ્યું હતું કે, ઈશ્તિયાક ખાનના પરિવાર દ્વારા આ જમીનનું દાન સામાજિક સૌહાર્દ અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે. મુસ્લિમોના સહકાર વિના આ સુવર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવો મુશ્કેલ હતો. મહાવીર મંદિર ટ્રસ્ટે મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં ૧૨૫ એકર જમીન મેળવી છે.
ટ્રસ્ટ ટૂંક સમયમાં વધુ ૨૫ એકર જમીન હાંસલ કરશે. વિરાટ રામાયણ મંદિર વિશ્વ પ્રસિદ્ધ અને ૧૨મી સદીના અંગકોરવાટ મંદિર કરતાં પણ લાંબુ હશે.
અંગકોર વાટ મંદિરની ઊંચાઈ ૨૧૫ મીટર છે. પૂર્વ ચંપારણના સંકુલમાં ઊંચા શિખરો સાથે ૧૮ મંદિરો હશે અને તેના શિવ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શિવલિંગ હશે. આ મંદિરનો ખર્ચ લગભગ ૫૦૦ કરોડ રૂપિયા થશે. નવી દિલ્હીમાં સંસદ ભવનના નિર્માણમાં રોકાયેલા ઘણા પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સની મદદથી,વાસ્તુને ધ્યાનમાં રાખીને ડિઝાઇન ફાઈલ કરીને મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.SSS