બિહારમાં વીજળી પડતાં ૧૦ના મોત : ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં ૫ મોત
નવીદિલ્હી: સમગ્ર દેશભરમાં ચોમાસું જામ્યું છે. રાજધાની દિલ્હી સહિત બિહાર, આસામ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં સાર્વત્રિક વરસાદ પડયો હતો. બિહારમાં વધુ એક આકાશી વીજળી ત્રાટકી હતી જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. બાંકામાં ૪, નાલંદામાં ૩, જમુઈમાં ૨ અને નવાદામાં એકનુ મોત વીજળી પડવાને કારણે થયું હતું. ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટતા ૫ લોકોના મોત થયા હતા. બિહાર, આસામમાં પૂરની સ્થિતિ યથાવત્ રહી છે તો હવે મેઘાલય પણ પૂરની ચપેટમાં આવ્યું છે.
નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારની ગંડક અને કોસી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સીતામઢીના ઘણા વિસ્તારોના લોકો અસરગ્રસ્ત બન્યાં છે. જળ સંસાધન વિભાગે ઉત્તર બિહારના છ જિલ્લામાં હાઇએલર્ટ જારી કર્યું હતું. રાજ્યના છ જિલ્લા પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુર, વૈશાલી અને સારણમાં એલર્ટ અપાયું હતું. મેઘાલયમાં વેસ્ટ ગારો હિલ્સના ૧૭૫ ગામોમાં પૂરની ચપેટમાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે પાંચ લોકોનાં મોત થયાં છે તથા લગભગ ૧ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. બ્રહ્મપુત્રા નદીમાં આવેલા પૂરમાં મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા હતા. હવામાન વિભાગે મેઘાલયમાં ૨૨થી ૨૪ જુલાઈ સુધીમાં ઓરેજન્ટ એલર્ટ જારી કર્યું છે.
આસામમાં પણ ભારે વરસાદ અને પૂરને કારણે તિનસુકિયા જિલ્લામાં જનજીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત થયું હતું. આસામમાં પૂરને કારણે અત્યાર સુધી ૭૦ લાખ કરતાં પણ વધારે લોકો અસરગ્રસ્ત બન્યાં છે તથા વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં ૧૧૨ લોકોનાં મોત થયાં છે. કાઝીરંગા નેશનલ પાર્કનો ૮૫ ટકા વિસ્તાર પૂરના પાણીમાં ડૂબ્યો હોવાથી અત્યાર સુધી કુલ ૧૧૬ પ્રાણીઓનાં મોત થયા છે. પૂરમાં ફસાયેલા હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પૂરમાં ફસાયેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી. કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. અર્નાકૂલમ જિલ્લાના ગામ કુટ્ટમપુઝા જળબંબાકાર થયંુ હતું. કુટ્ટમપુઝામાં ઝૂંપડા પાણીમાં ડૂબી ગયા હતા.