બિહારમાં સિલિન્ડર ફાટતાં એક જ પરિવારના છ ભડથું: એક ઈજાગ્રસ્ત
પટના, બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર ફાટતા એક જ પરિવારના સાત સદસ્યો તેનો ભોગ બન્યા છે. આ દુર્ઘટનામાં છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ ટોચના સત્તાધીશો ત્યાં પહોંચી ગયા છે અને હોસ્પિટલમાં દાખલ વ્યક્તિની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. પૂર્ણિયાના બાયસી થાણા અંતર્ગત આવેલા ગ્વાલ ગામમાં આ ઘટના બની હતી. વિક્ટર યાદવ નામની એક વ્યક્તિના ઘરે તેની બહેન બોબી પોતાના બાળકોને લઈને આવેલી હતી અને આ દુર્ઘટનામાં હોમાઈ ગઈ હતી. બોબી અને તેના બે બાળકો ઉપરાંત વિક્ટરની પત્ની અને તેના ત્રણ બાળકો ઘરમાં હાજર હતા તે સમયે સાંજે કોઈ કારણસર રસોડામાં સિલિન્ડર લીક થયો હતો.
ગેસ લિકેજના કારણે જોતજોતામાં ઘરમાં આગ લાગી ગઈ હતી અને સિલિન્ડરમાં ધમાકો થયો હતો. આ વિસ્ફોટમાં બોબી ઉપરાંત અન્ય છ બાળકો સળગી ગયા હતા અને બોબી સહિત પાંચ બાળકના મોત થયા હતા. આ બાળકોએ સારવારના અભાવે દમ તોડ્યો હોવાનું બહાર આવ્યું છે અને અન્ય એક બાળકની સ્થિતિ ગંભીર છે. ઘટના સ્થળે પહોંચી ગયેલા ટોચના સત્તાધીશોએ હાલ બોબી અને પાંચેય બાળકોના પોસ્ટમોર્ટમ માટેની ગતિવિધિ શરૂ કરી છે. આ ઘટના બાદ ગામમાં ભારે દહેશત વ્યાપી છે. જાણવા મળ્યા મુજબ ભોજન બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીક થયો હતો અને અચાનક આગ લાગતા સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.