બિહારમાં ₹ 264 કરોડના ખર્ચે બનેલ પુલ ધરાશાયી, ગત મહિને જ થયું હતુ ઉદ્ઘાટન
પટના: બિહારના ગોપાલગંજમાં 264 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સત્તરઘાટ મહાસેતુ પુલ બુધવારે પાણીનું વહેણ વધતા જ ધરાશાયી થઈ ગયો છે. આ પુલ ધરાશાયી થવાથી ચંપારણ તિરહૂત અને સારણના અનેક જિલ્લાઓ સાથે સંપર્ક તૂટી ગયો છે. આ પુલ પર અવરજવર બંધ થઈ ગઈ છે. ગત 16 જૂને મુખ્યમંત્રી નીતિશકુમારે પટનાથી વીડિયો કૉન્ફ્રન્સિંગ મારફતે આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. ગોપાલગંજને ચંપારણથી અને આ સાથે જ તિરહૂતના અનેક જિલ્લાઓને જોડવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પુલ હતા. આ પુલના નિર્માણ પાછલ 264 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ગોપાલગંજમાં આજે ત્રણ લાખ ક્યૂસેકથી પાણીનું વહેણ હતું, આટલા મોટા જળસ્તરના દબાણથી આ મહાસેતુંનો એપ્રોચ રોડ તૂટી ગયો હતો. જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. આ પુલને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. આ અંગે ભાજપના ધારાસભ્ય મિથિલેશ તિવારીએ બિહારના માર્ગ નિર્માણ મંત્રી નંદકિશોર યાદવને માહિતી આપી દીધી છે. આગામી 4 ઓગસ્ટથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં તેઓ આ બાબતની તપાસ કરવાની માંગ ઉઠાવશે. જણાવી દઈએ કે, 2012ની સાલમાં જ આ પુલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ 16-જુન 2020ના રોજ મુખ્યમંત્રીએ આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું.