બિહારમાં 3 ચરણમાં મતદાન થશે: 10 નવેમ્બરે પરિણામ: કોરોનાનાં દર્દીઓ પણ કરી શકશે મતદાન
નવી દિલ્હી, બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ ચરણમાં હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં જ બિહારમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પહેલી ચરણનું મતદાન 28 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે, બીજા ચરણનું 3 નવેમ્બરે મતદાન થશે જ્યારે ત્રીજા ચરણનું 7 નવેમ્બરે મતદાન થશે. 10 નવેમ્બરે મતદાનની ગણતરી હાથ ધરવામાં આવશે.
પહેલા ચરણમાં 28 ઓક્ટોબરે 71 વિધાનસભા સીટો પર મતદાન થશે જેમાં 16 જિલ્લાના 31 હજાર મતદાન કેન્દ્ર ખાતે મતદાન થશે. બીજા ચરણમાં 3 નવેમ્બરે 94 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જેમાં 17 જિલ્લાના 42 હજાર મતદાન કેન્દ્રો પર કાર્યવાહી હાથ ધરાશે. ત્રીજા ચરણમાં 7 નવેમ્બરે 78 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જેમાં 15 જિલ્લાના 33 હજાર કેન્દ્રો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોરોનાનાં દર્દીઓ પણ મતદાન કરી શકશે.