બિહાર : નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર કોરોના પોઝિટિવ
પટણા: બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી કોરોના પોઝિટિવ થયા છે. ગુરુવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેમને પટણા સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
જો કે તેમના અન્ય સ્વાસ્થ્ય પરિમાણો બરોબર છે અને તેઓ જલ્દીથી ચૂંટણી પ્રચારમાં જોડાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
સુશીલ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારા તમામ સ્વાસ્થ્ય માપદંડો સામાન્ય છે.શરૂઆતમાં સામાન્ય તાવ હતો પરંતુ બે દિવસથી તાવ આવ્યો નથી.
હાલમાં પટણા એઈમ્સમાં સારવાર ચાલુ છે. ફેફસાનું સીટીસ્કેન નોર્મલ આવ્યું છે. હું જલ્દીથી પ્રચારમાં પરત ફરીશ.
બિહાર વિધાનસભાની ચૂંટણીને પગલે નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ રવિવારે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે બક્સર અને ભોજપુરમાં જાહેરસભા યોજી હતી.
અગાઉ બિહાર ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડી તેમજ શાહનવાઝ હુસૈન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન ૨૮ ઓક્ટોબરના યોજાશે.