બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ફાળે 70 અને આરજેડીના ફાળે 145 બેઠકો
પટના, બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એનડીએમાં હજી બેઠકોની ખેંચતાણ ચાલી રહી છે તો બીજી તરફ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ચુકી છે. મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસ 70 બેઠકો પર અને આરજેડી 145 ઉપરાંત બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડશે.બંને પક્ષો વચ્ચે જે પણ મુદ્દા હતા તેનો ઉકેલ આવી ગયો હોવાનો દાવો થઈ રહ્યો છે.આ ગઠબંધનમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી પણ સામેલ છે.જેમને આરજેડી પોતાના કોટામાંથી બેઠકો ફાળવશે.
મહાગઠબંધનમાં સામેલ પક્ષોને બિહારમાં જે તે વિસ્તારમાં તેમના પ્રભાવના આધારે બેઠકો ફાળવવામાં આવી છે.જોકે બેઠકોની વહેંચણીની સત્તાવાર જાહેરાત આજે સાંજે કરવામાં આવે તેવી શક્યતા છે.જેમાં બેઠકોની જાહેરાત સાથે સાથે મહાગઠબંધનની ચૂંટણીની રણનીતિનુ પણ એલાન કરવામાં આવશે.