બિહાર વિધાનસભામાં NRC લાગૂ નહીં કરવાનો પ્રસ્તાવ પાસ
પટના : બિહાર વિધાનસભામાં NPRને 2010ની જોગવાઈ પ્રમાણે અને NRCને રાજ્યમાં લાગૂ નહીં કરવાનો પ્રસ્તાવ સર્વસહમતિથી પસાર થયો છે. આ અંગે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે બિહારના લોકોને અભિનંદન પાઠવ્યા છે. આ પહેલા નીતિશ કુમારે જણાવ્યું કે, બિહારમાં એનઆરસી લાગૂ કરવાનું કોઈ ઔચિત્ય નથી. સીએમ નીતિશ કુમારે વિધાનસભાને જણાવ્યું કે બિહાર સરકારે કેન્દ્રને પત્ર લખીને એનપીઆર ફોર્મમાંથી વિવાદાસ્પદ ક્લૉઝ (કોલમ કે માહિતી) દૂર કરવાની છૂટ માંગી છે. તેમણે કહ્યું કે, “મને નથી ખબર કે મારી માતાનો જન્મ ક્યારે થયો હતો. એનઆરસીની કોઈ જરૂર નથી.”
વિધાનસભામાં વિપક્ષ તરફથી નાગરિકતા સંશોધન કાયદાને “કાળો કાયદો” ગણાવવામાં આવ્યો હતો. વિધાનસભામાં હંગામાં વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે આવું નિવેદન કર્યું હતું. એનઆરસી નહીં લાગૂ કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર થયા બાદ તેજસ્વી યાદવે જણાવ્યું કે લોકોને આરજેડી પાસેથી જે આશા હતી તે પૂર્ણ થઈ છે. આજે વિધાનસભામાં આ પ્રસ્તાવ સર્વસહમતિથી પસાર થયો છે. તેજસ્વીએ કહ્યુ કે અમે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે બિહારમાં એનઆરસીને લાગૂ નહીં થવા દઈએ. આજે સરકારે વિપક્ષ સામે ઘૂંટણીયા ટેકવી દીધા છે. સરકાર કહેતી હતી કે એક ઇંચ પણ પાછળ નહીં હટીએ, પરંતુ લાલુ યાદવના ખૌફને કારણે પીછેહઠ કરવી પડી છે. એનઆરસીને બિહારમાં લાગૂ નહીં થવાન દેવાની અમારી લડાઈ સફળ રહી છે.
આ અંગે હવે વધારે રાજનીતિ ન થવી જોઈએ. જે લોકો ધરણ પર બેઠા છે તે તમામનો આભાર. હવે બિહારમાં રોજગારી આપવાની વાત થશે. આ પહેલા CAA-NPR-NRC પર સ્થગન પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હંગામો થયો હતો. જેને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને અન્ય લોકોએ આગળ વધાર્યો અને સંસદીય કાર્ય મંત્રી શ્રવણ કુમારના વિરોધ બાદ સ્પીકર વિજય કુમાર ચૌધરીએ મંજૂરી આપી હતી.