બિહાર સરકારનો મોટો નિર્ણય, 31 જુલાઈ સુધી લૉકડાઉન
પટના : કોરોના મહામારી વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમામ ઇમરજન્સી સેવા ચાલુ રહેશે.
બિહાર સરકારે આ નિર્ણય મંગળવારે મુખ્ય સચિવ દીપક કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (CJM)ની બેઠક બાદ લીધો હતો. નિર્ણય પહેલા મુખ્ય સચિવે તમામ જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં તમામ જિલ્લાના સિવિલ સર્જન પણ હાજર રહ્યા હતા. લૉકડાઉન લાગૂ કરવાની જાણકારી નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ આપી હતી.
નોંધનીય છે કે આખા બિહાર સહિત દેશમાં 24 માર્ચથી 31 મે સુધી લૉકડાઉન રહ્યું હતું. જે બાદમાં જૂનથી અનલૉક 1 અને જુલાઇથી અનલૉક 2 લાગૂ છે. પરંતુ આ દરમિયાન કોરોના પોઝિટિવ કેસ વધતા વિવિધ રાજ્ય સરકારો તકેદારીના ભાગરૂપે લૉકડાઉન લાગૂ કરી રહી છે.