બીએસએનએલમાં કેવાયસી અપડેટ કરવા જતાં વૃદ્ધ ૪૯,૯૦૦ની ઠગાઇનો ભોગ બન્યા
અમદાવાદ, ભેજાબાજ ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવીને લોકોને વિશ્વાસમાં લઇ અને તેમની સાથે ઓનલાઇન ઠગાઇ કર્યાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પેટીએમ કેવાયસી કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે સીમકાર્ડ અપડેટ કરવાના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.
કૃષ્ણનગરમાં બીએસએનએલના સીમકાર્ડમાં કેવાયસી અપડેટ નહીં કરો તો કાર્ડ બ્લોક થઇ જશે કહી ગઠિયાઓ વૃદ્ધ સાથે ૪૯,૯૦૦ રૂપિયાની ઠગાઇ કરી છે.
કૃષ્ણનગરના પરિમલ બંગ્લોઝમાં રહેતા ૬૭ વર્ષીય જગદીશ જાેષીએ એક ગઠિયા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જગદીશભાઇ વર્ષ ૨૦૦૭માં એસબીઆઇમાંથી નિવૃત્ત થયા હતા. થોડા દિવસ પહેલાં જગદીશભાઇના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે બીએસએનએલના સીમકાર્ડમાં કેવાયસી અપડેટ કરવું નહીંતર સીમકાર્ડ બ્લોક થઇ જશે. આવો મેસેજ આવતા જગદીશભાઇએ આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો.
ફોન કરનારને જગદીશભાઇને કહ્યું કે હું બીએસએનએલ કસ્ટમર કેરમાંથી બોલું છું. તમારી બીએસએનએલમાં કેવાયસી અપડેટ કરવાનું છે. આમ ગઠિયાએ તેમની પાસે ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના ખાતાની વિગત આપી હતી. જેથી જગદીશભાઇએ ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશનમાં તમામ વિગત ભરી દીધી હતી.
ગઠિયાએ તેમને વિશ્વાસમાં લઇ બેન્કના એકાઉન્ટમાંથી ૪૯,૯૦૦ રૂપિયા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ જગદીશભાઇના મોબાઇલમા રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતા તે ચોકી ગયા હતા. જગદીશભાઇને જાણ થતાં તેમણે તરત જ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. જગદીશભાઇએ ગઠિયા વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(એનઆર)