બીકોમમાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી રઝળી પડે તેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા
ધો.૧રના ઊંચા પરિણામ બાદ વિવિધ ફેકલ્ટીમાં એડમિશન માટે ધસારો
(એજન્સી) અમદાવાદ, ધો.૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉંચા પરિણામ બાદ કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની સમસ્યા સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો રિપીટર વિદ્યાર્થીની સાથે ગણતરી કરવામાં આવે તો શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં ધો.૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઉતીર્ણ થાય છે
જેમાંથી મોટાભાગના આટ્ર્સ અને કોમર્સ બીએસસી, ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ લેશે. કેટલાક વિદ્યાર્થી બીબીએ તો કેટલાક વિદ્યાર્થી અને ખાસ કરીને ગર્લ્સ હોમ સાયન્સ પર પણ પસંદગી ઉતારશે. આમ છતાં એફવાયબીકોમમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી શક્યતા છે. અત્યારે એડમિશન માટે પડાપડી ચાલી રહી છે. વિદ્યાર્થીઓ હાલમાં પોતાની પસંદ છોડીને જે ફેકલ્ટીમાં એડમિશન મળે તે લઈ લેવા તૈયાર છે. વિજ્ઞાન પ્રવાહ માટે બીએસસી વિથ કોમ્પ્યુટર સાયન્સ હોટ ફેવરિટ છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોમર્સ ફેકલ્ટીમાં જ બેઠક પર પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. તેમાં ઈકોનોમિકલી વીકર સેકસન એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીની બીજી ૧૦ ટકા બેઠકો માટે સત્તાધીશોએ સરકારની મંજૂરી માંગી છે. હવે જો બેઠકો ઉમેરવામાં આવે તો વિદ્યાર્થીને આ વર્ષે પ્રવેશ મળશે. તેમાં પણ ૩૦ ટકા બેઠક બહારગામના વિદ્યાર્થી માટે અનામત રહેતી હોવાથી વિદ્યાર્થી માટે એફવાય બીકોમમાં પ્રવેશ માટે પડાપડી થાય અને પ્રવેશ માટેનું મેરિટ ઉંચું રહે તેવી શક્યતા છે.
જે વિદ્યાર્થીઓને આગળના સ્નાતક કે ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવવો હોય તો તેમને જીસીએએસની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની અંદર ગ્રેજ્યુએશનથી લઈ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના એજ્યુકેશન કોર્સ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગુજરાતની જે ૧પ જેટલી યુનિવર્સિટીઓ છે તેની અંદર જો એડમિશન લેવું હોય તો આ પોર્ટલની અંદર રજિસ્ટ્રેશન કરાવું જરૂરી છે.
૩૦ મે સુધી આ અરજી પ્રક્રિયા ચાલુ રહેશે. આ પોર્ટલની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. જે અપલોડ કરવાના રહેશે અને તેના થકી જીસીએએસના પોર્ટલની અંદર રજિસ્ટ્રેશન કરી શકાશે.
માધ્યમિક શિક્ષણ માટે ધો.૮માં પાલિકા સંચાલિત સ્કૂલમાં પણ હવે પ્રવેશ માટે પડાપડી થઈ રહી છે. પાલિકા સંચાલિત માધ્યમિક વિભાગની સ્કૂલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પહેલી પસંદ બની રહી છે. તેનું કારણ એ છે કે, આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ નજીવી ફીથી અભ્યાસ કરે છે અને પાલિકા દ્વારા તેમને શિષ્યવૃત્તિ મળે તે માટેના પ્રયાસ પણ કરવામાં આવે છે.
પાલિકા સંચાલિત સ્કૂલમાં છોકરા પાસે માત્ર ર૦૦થી પ૦૦ રૂપિયાની ફી વસૂલવામાં આવે છે જ્યારે છોકરી પાસે અભ્યાસ માટે કોઈ ફી વસૂલવામાં આવતી નથી. પાલિકાની સ્કૂલમાં દીકરીઓને વિના મૂલ્યે અને દિકરાઓને નજીવી ફી લઈ અપાતું શિક્ષણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી રાહત લઈને આવે છે.