બીગ બી દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત
નવી દિલ્હી, બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક કાર્યક્રમમાં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ એનાયત કર્યો હતો. અમિતાભ બચ્ચનને આ એવોર્ડ સ્વીકાર્યા તમામ તમામનો આભાર માન્યો હતો. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ આપવાની શરૂઆત લગભગ ૫૦ વર્ષ પહેલા થઇ અકિલા હતી અને મને પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લગભગ ૫૦ વર્ષ થઇ ચુક્યા છે. આ એવોર્ડની જાહેરાત સમયે મારા મનમાં એક વાત આવી હતી કે શું આ એવોર્ડ આપીને મને સંકેત આપવાનો છે કે, ભાઈ બસ કરો હવે બહુ કામ થઇ ગયું છે. આ વાતને લઇને ઉપસ્થિત તમામ લોકો હસી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખરાબ તબિયતના કારણે અમિતાભ બચ્ચન સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમમાં સામેલ થઇ શક્યા ન હતા. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાલ્કે સન્માન ૨૯મી ડિસેમ્બરના દિવસે એનાયત કરવામાં આવશે. વર્ષ ૨૦૧૮નું દાદ સાહેબ ફાલ્કે સન્માન ફિલ્મ ઉદ્યોગમાં ઉલ્લેખનીય કામગીરી માટે ૭૭ વર્ષીય અમિતાભ બચ્ચનને આપવામાં આવનાર હતો પરંતુ મેગાસ્ટારની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. ૧૯૬૯માં શરૂ કરવામાં આવેલા દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારનું નામ ઘુંડીરાજ ગોવિંદ ફાલ્કેના નામ પર રાખવામાં આવ્યું હતું જેમને ભારતીય સિનેમાના જનક ગણવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત એક સુવર્ણ કમલ, એક શાલ અને ૧૦ લાખ રૂપિયા રોકડ આપવામાં આવે છે.