બીજાને વધારે ખૂબસૂરત બનાવી શકવાનો ધંધો ધીકતી કમાણીનો બની ગયો છે !
શબ્દો વાપરવાની એક નવી સ્ટાઈલ જેમાં અર્થ તો જૂના પણ શબ્દો આધુનિક ! હવે હજામ રહયા નથી – એમણે જે નામ ધારણ કર્યુ છે એ બહુ જ રંગીન છે !! |
ગામડામાં જે લોકો દસ વર્ષમાં જીવે છે એ લોકો શહેરમાં એક જ વર્ષમાં જીવી લે છે ! |
આપણી નજર આગળ જ પરિવર્તન ના મોજાંઓ સમાજ, મન અને ભાષા પર ધક્કો મારી રહયાં છે ! |
“પરિવર્તન ના મોજાંઓ સમાજ- મન અને ભાષા પર ધક્કો મારવા પોતાનો સમય લે છે ! જે ઝડપથી હવે ભાષા બદલાઈ રહી છે તેમાં કદાચ શબ્દનો અર્થ એ જ રહયો છે પણ શબ્દો વાપરવાની એક નવી સ્ટાઈલ, ફેશન ફેલાઈ ગઈ છે ! આમાં અર્થ તો જૂના પણ શબ્દો આધુનિક ! પશ્ચિમના કલ્ચરે ભાષાને પણ નવી બનાવી દીધી છે ! યસ (YES) ને… (YEH) યાહ અને હવે.. યપ (YAP) આ રીતે બોલાય છે !
જા તમેરૂઈજી યસ – બોલો તો તમે જૂના આદમી છો.. કેમકે હવે યસ નહીં.. પણ યપ (YAP) બોલાય છે ! વાત શરૂ થતી હોય તો હવે.. હાય.. કે હી.. જેવા શબ્દોથી વાત શરૂ કરવામાં આવે છે – હવે કેમ છો ?… તમે ?… આ શબ્દો જૂનવાણી બની ગયા છે ! વાત પતી જાય એટલે છેલ્લે ઓ.કે ! .. (OKAY) ….અને સહેજ વધુ મોડર્ન રીતે કહીએ તો ડન (DONE…DONE) બોલાતું જાય છે ! પહેલાં દુકાળ શબ્દ વપરાતો હતો.. હવે એમ કહેવાય છે કે પોષણ ના અભાવથી માણસો મરી ગયા ! હવે હજામ રહયા નથી- એમણે જે નામ ધારણ કર્યુ છે એ બહું રંગીન છે ! …
એમની ઓળખ હવે હેરડ્રેસર અથવા હેર-સ્ટાઈલીસ્ટ તરીકેની છે ! આજે અમદાવાદ શહેરમાં જ એક હજામ ઉર્ફે હેર-ડ્રેસર માથા ઉપર કાતર અને કાંસકો શરૂ કરે… પછી ફૂવારા ઉડાડે… પછી ચમ્પી કરે.. પછી ક્રીમ લગાવે ત્યારે ધ્રૂજતા હાથે આપણે, જૂના જમાનાના હજારો બાર મહિનામાં જેટલા પૈસા લઈ લેતાં તેટલા, આજે એક જ સીટીંગમાં આપવા પડે છે ! એ જમાનામાં વાળ કપાય પછી મફતમાં મસાજ કરતા હતાં અને દાઢી કરે (SHAVE) પછી ફૂવારા જેવા સ્પ્રેથી પાણીનો છંટકાવ કરે અને ફટકડીની ગોટી દાઢી ઉપર ફેરવે જે એન્ટીસેપ્ટીકનું કામ કરે ! અત્યારે વાળ કપાયા અને દાઢી કરાયા બાદ બીજી વીસેક મિનિટ આપણું ધડ એને હવાલે હોય છે ! સ્ત્રીઓ પણ વાળની કલા કરાવવા આવે અને જાત-ભાતની કલા પ્રમાણે રકમ ચૂકવાય ! સાહેબ, આજે આવા હેરડ્રેસર કે હેર-સ્ટાઈલીસ્ટને સરેરાશ એક ગ્રાહક પાસેથી ચારસોથી પાંચસો રૂપિયા મળે છે !
સ્ત્રીઓની હેર- સ્ટાઈલ, વાળના પ્લકીંગ વગેરે સાથે એક હજાર રૂપિયા મળે છે ! બીલ નહીં- જીએસટી નહીં- રોકડીયો વેપાર !! નવો જમાનો છે ! પહેલાં માથું દુખવાની આટલી દવાઓ બજારમાં મળતી નોતી ! માથાં તો હતાં પણ આટલો દુઃખાવો ન હતો ! વકીલ શબ્દ હવે જૂનો છે ! તેનાં બદલે કાઉન્સેલ શબ્દ આખા હિન્દુસ્તાનમાં વધારે જામે છે ! અને ઈન્કમટેક્ષ નો હોય તો એ પાછો કન્સલ્ટન્ટ કહેવાય છે !
આજની પેઢીને નોકરીઓ માટે વીસ વર્ષ પહેલાં જે ક્ષેત્રોની કલ્પના ન હતી એ આજે સૌથી વધારે પગારો આપી રહી છે ! નવી નવી ‘લાઈનો’ ખૂલી ગઈ છે એ વિષે શાંત અને લગભગ અદ્રશ્ય વિપ્લવ તરફ હજી લોકોનું ધ્યાન બરાબર ગયું નથી. હવે માત્ર ડોકટર અને કમ્પાઉન્ડર રહયા નથી ! પેથોલોજિસ્ટ હોય જે લોહી, થુંક, પેશાબ, દસ્ત આદિ તપાસે અને નિદાન કરી આપે ! ડાયેટીશીયન સમજાવે કે કેટલું ખાવું અને શું ખાવું. હાડવૈદ હવે ઓસ્ટીઓ પેથ બન્યા છે !- જે પહલાં બોન-સેટર કહેવાતા હતાં ! ચાઈલ્ડ- સ્પેશિયલિસ્ટ પણ છે ! મગજની ચિકિત્સા કરનારા ન્યુરો-સર્જન છે, મનનો ઈલાજ કરનારા સાયકોટ્રીસ્ટ છે અને માલિશ કરી આપનારા ફિઝીઓ- થેરેપીસ્ટ પણ છે ! ડઝનબંધ વિષયોના જ્ઞાનીઓ જુદા જુદા નામે ધંધો ખોલીને બેઠા છે ! વકીલ, વેપારી, રાજનેતા, ડોકટર, સંપાદક, શિક્ષક, સૈનિક વગેરે જૂના નામો હતાં ! હવે તો કેટલાય નવા વર્ગના લોકો નવા- નવા વ્યવસાયો લઈને આવી ગયા છે !
પહેલાં સમાજ- સુધારક હતાં, હવે કંપનીઓમાં વેલફેર ઓફિસરો છે ! આ સિવાય લેબર ઓફિસર, પરસોનલ ઓફીસર, લાયઝન ઓફિસર, એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર, એકસીકયુટીવ ઓફીસર તો હોય જ છે ! બીઝનેસ મેન માટે હવે નવી વ્યાખ્યા છેઃ “કાયદાની અંદર રહીને બહારવટું ખેડનાર માણસ !” પહેલાં જાહેરખબર માટે વિજ્ઞાપન કંપનીઓ ન હતી. અંગ્રેજીમાં એમને એડવર્ટાઈંઝર કહેવાય છે ! એમાં પાછું જે લખાણ લખે એને કોપી- રાઈટર કહેવાય છે ! જુના સમયમાં જે હિસાબ રાખતા તેઓ મૂનીમજી કહેવાતાં- અત્યારે એકાઉન્ટન્ટ કહેવાય છે ! જીવન વ્યવસાય લક્ષી બન્યું છે અને યુનિવર્સિટીઓ એમના અભ્યાસક્રમો એ રીતે બદલી રહી છે. સૌન્દર્ય વ્યવસાય કરે એ બ્યુટીશીઅન કહેવાય છે. બીજાને વધારે ખૂબસૂરત બનાવી શકવાનો ધંધો ધીકતી કમાણીનો બની ગયો છે !
લગ્નોમાં મહેંદી મૂકવાથી માંડીને ગરબાના આયોજન સુધીના ધંધા કરાય છે. અને આ બધુંજ બરાબર ચાલે એ માટે ‘ઈવેન્ટમેનેજમેન્ટ’ નામનો અભ્યાસક્રમ અને ત્યારબાદ એજ વ્યવસાય ! સારા પ્રસંગોએ જમવા- જમાડવાની વ્યવસ્થા કરનાર કેટરર કહેવાય છે. ગામનો કચરો ભેગો કરીને ફર્ટિલાઈઝરનું કારખાનું ચલાવનારાઓ છે. રસ્તાની રદ્દી (રસ્તા પરથી કાગળના ડૂચા વીણવાનું કામ કરનારી બાઈઓને રોકી) ભેગી કરનાર માણસ રેલ્વેમાં વેગન બૂક કરે છે. – એ રદ્દી કાગળના કારખાનામાં મોકલવા માટે !! હવે બિલ્ડર છે, આર્કિટેકટ છે, પાઈલીંગ કોન્ટ્રેકટર છે, મકાન બની જાય પછી ઈન્ટીરીઅર ડેકોરેટર્સ પણ છે. પ્લમ્બરથી ટી.વી. રીપેર કરનાર સુધી ડઝનબંધ જુદા જુદા વ્યવસાય છે !
ઝેરોક્ષ- કોમ્પ્યુટર (સાયબર કેફ) ના કામ પણ ધમધોકાર ચાલી રહયાં છે ! ખોવાઈ જવાય એટલા બધા પ્રકારના લકો, પાગલ થઈ જવાય એટલી બધી જાતના ધંધા કરે છે ! જેમ જહાજ બનાવવાનો ધંધો છે એમ જહાજ તોડવાનો પણ એક ધંધો છે (શીપ-બ્રેકીંગ) ! પહેલાં શેર માર્કેટમાં બદલો કરનારા ન હતાં.. હવે તો કૂતરાને શરદી થઈ હોય તો કૂતરાના ડોકટરની પણ એપોઈન્ટમેન્ટ લેવી પડે છે !… આપણી નજર આગળ જ પરિવર્તન ના મોજાંઓ સમાજ, મન અને ભાષા પર ધક્કો મારી રહયાં છે !
ખિડકીઃ
જમાનો બદલાયો છે. આટલી ભયાનક ગતિથી શહેરને વધતાં- ફાટતાં, વિસ્તરતા, ભાવોને વધતાં, માણસોને મરતાં, સ્ત્રીઓને વૃધ્ધ થતાં, વાળને ધોળા થતાં, ભીડને ભીંસાતા પહેલાં જાયું નથી – ગામડા ગામમાં જે લોકો દસ વર્ષમાં જીવે છે એ લોકો શહેરમાં એક જ વર્ષમાં જીવી લે છે. માણસો તો એજ છે ! બે દાયકામાં દોસ્તો હજારો માઈલ દૂર પણ સાથે સાથે જ બૂઢા થઈ રહયા છે- અને વધારે સમજદાર ! જૂના દિવસોની યાદમાં એકસો એક નંબરની બીડી પીવડાવે છે – એ યાદોને તાજા- તરોઝ કરવા માટે !
સ્ફોટકઃ
આફ્રિકન કવિતાને એક શીર્ષક છે ઃ મારું નામ આફ્રિકા. જેની એક કવિતાનો અવાજ… “આપણે જયાં નાચીએ છીએ.. ધરતી જયાં આપણા પગ ચૂમી રહી છે ત્યાં નીચે જ ઘણા બધા સૂતા છે. અહીંજ એ પણ ઉભા હતા એક દિવસ સ્વપ્નો સાથે ! સ્મશાન ! કબ્રસ્તાન પાસે પડછાયા વિનાનું એક ઘર ઉભું છે જેમાં કંકાલો જીવે છે. પૃથ્વીના પડછાયા નીચે, ત્યાં એ બધાં ભૂતકાળને ગૂંથતા હશે !!”