બીજાે હુકમ ન થાય ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત
અમદાવાદ, દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે જેના કારણે રાજ્ય સરકારે વિકેન્ડ કર્ફ્યુ લાદવો પડયો હતો. આ ઉપરાંત અમદાવાદ સહિતના ત્રણ મહાનગરોમાં રાત્રી કરફયુ પણ અમલી બનાવાયો છે. સોમવારે રાત્રી કર્ફ્યુની મુદત પૂર્ણ થઇ છે ત્યારે રાજ્ય સરકારે તમામ ચાર શહેરોમાં લાદવામાં આવેલો રાત્રિ કરફ્યુ ચાલુ રાખ્યો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ આજે જાહેરાત કરી હતી.
અગાઉ અમદાવાદના પોલીસ કમિશનરે બીજાે હુકમ ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુનો અમલ ચાલુ રાખવા માટેનું જાહેરનામું રવિવારે મોડી રાત્રે જ બહાર પાડી દીધું હતું. અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. વધતાં કેસોને પગલે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ ,સુરત અને વડોદરામાં રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ લાદ્યો છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા સરકારે ૭મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ અમલી બનાવવા નક્કી કર્યુ હતું. આવતીકાલે રાત્રી કર્ફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે. રવિવારે મોડી રાત્રે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં બીજાે હુકમ ન થાય ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી છે.
સૂત્રોના મતે, ગુજરાતમાં હજુય કોરોના કાબૂમાં આવી શક્યો નથી. રાજ્યમાં રોજ ૧૫૦૦થી વધુ કેસો નોધાઇ રહ્યાં છે તે જાેતાં રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ હજુય અમલી રહેશે. કોરોનાના સંક્રમણને જાેતાં સરકાર રાત્રી કર્ફ્યુમાં ઢીલ દાખવવાના મતમાં નથી. આ કારણોસર રાજ્ય સરકાર રાત્રી કર્ફ્યુની મુદતમાં વધારો કરી શકે છે. એવી જાણકારી મળી છેકે, રાજ્ય સરકારે ડિસેમ્બરના અંત સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખશે પરિણામે ૩૧ ડીસેમ્બરને ય કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. આ વર્ષે ગુજરાતમાં યુવાઓની થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાની ઇચ્છા મનની મનમાં જ રહી જશે.
આગામી ૨૫ ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર પણ આવી રહ્યો છે. જાે આ જ સ્થિતિ રહી તો પરિસ્થિતિ વણસવાની પુરી શક્યતા છે. રાત્રી કરફયુ અમલમાં આવતાં જ ૩૧મી ડિસેમ્બરની ઉજવણી પર આપોઆપ રોક લાગી જશે. થર્ટી ફર્સ્ટની રાત્રીએ હજારોની ભીડ ઉમટે છે તે જાેતાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે જેના કારણે સરકાર રાત્રી કર્ફ્યુ યથાવત રાખવાના મતમાં છે.SSS